પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન

સોરઠી સાહિત્યનું એક વિશેષ અંગ આજે સમેટાઈ જાય છે. માથા પરથી એક ગાંસડીનો બોજો નીચે ઉતારીને પ્રવાસી રાહતનો એક નિઃશ્વાસ નાખે છે. એક દસકાની અવધિ નજીક દેખાય છે.

થોડાએકને અળખામણું, ઘણા મોટા સમુદાયનું આદરપાત્ર અને મને પોતાને તો પ્રિય કર્તવ્ય સમું આ બહારવટીઆનું ઇતિહાસ સંશોધન બની શકયું તેટલું સ્વચ્છ અને પ્રમાણિક બનાવવા હું મથ્યો છું. ઘણાઘણાઓએ મારી સહાયે આવીને બીજી રીતે દુષ્પ્રાપ્ય એવી નક્કર હકીકતો મને ભળાવી છે. એમાંના અમુક સહાયકોને તો હું ઇતિહાસના પાકા અભ્યાસીઓ માનું છું. આ બહારવટા- પ્રકરણમાં એક મહત્ત્વની ઐતિહાસિકતા ભરી હોવાની તેઓની શ્રદ્ધાની હુંફ કુતર્કોના થોડા સૂસવાટાની સામે મને રક્ષણ આપી રહી છે. તેઓનાં કોઈનાં નામ અત્રે લખવાની મને મંજૂરી નથી. કેમકે બહારવટા - પ્રકરણનું રાજદ્વારીપણું, હજુ સમયદેવે સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાંથી ભૂસી નથી નાખ્યું, પણ એવા ભયથી મુક્ત એક નામ આપી દઉં છું : શ્રી. યુસફ પારપીઆ નામના એક તેજસ્વી યુવાન લંડનમાં આઈ. સી. એસ. થવા તેમ જ પીએચ.ડી. નું પદ મેળવવા ગયા છે. ત્યાં એમણે બૅલાડ (લોકસાહિત્યનાં કથાગીતો)ના તુલનાત્મક અભ્યાસને પોતાના નિબંધ (Thesis) માટે પસંદ કર્યો છે. પુજ્ય સાક્ષર શ્રી. કૃષ્ણલાલ ઝવેરીની મારફત એ ભાઈની સાથે પત્રવ્યવહારમાં જોડાવાને મને સુયોગ લાધ્યો છે. લોકસાહિત્યના મારા સમગ્ર પ્રયત્નથી પરિચિત બની એ અજાણ્યા સજ્જને મને પત્રો પર પત્રો લખી પ્રોત્સાહન આપ્યું છે, મારી ત્રુટિઓ સુધારી છે, અને