પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૨૯
 

તો આભે જાતી અડી. બારવટીએ પ્રદક્ષિણા દઈને પાણીની ધારાવાડી દીધી. હોળીમાં નાળીએર હોમ્યાં. કુદી કુદીને ઝાળો વચ્ચેથી નાળીએરો કાઢી લેવાની હોડ રમાણી. અને પછી જેમ ઝાળ નમવા માંડી, ચાંદો આકાશે ચડીને રૂપાના રસની રેલમછેલ કરવા માંડ્યો, તે વખતે આંહી ગીગાધારે સોરઠના સરખે સરખા દુહાગીરો સામસામી પંગતો કરી કરીને દુહાની રમઝટ બોલાવવા લાગ્યા. દાંડીયા રાસ રમાણા. આખી રાત આભમાં ને ધરતીમાં, બેય ઠેકાણે આનંદના ઓઘ ઉમટ્યા. પ્રભાતે પોતાનો નેજો ઉપાડીને ગીગો ગીગાધાર માથેથી ઉતરી ગયો. ગરની વાટ ઝાલી લીધી.

ખીલાવડ ગામના ગામેતી. જોખીઆ શાખના મુસલમાન, નામે શુભાગો જમાદાર, ગીસ્ત લઈને ઉતર્યા છે. ગાળે ગાળે ગીગાને ગોતે છે. એમાં વાવડ મળ્યા કે ગીગો તો દાદરેચા ડુંગર ઢૂકડો રાણધારના નેસ પાસે પડ્યો છે. બાતમીદારે કહ્યું કે “જમાદાર સાહેબ, ઈ સાવઝની બોડમાં જવા જેવું નથી. એને આપણે પહેલા બહાર નીકળવા દઈએ.”

પણ જમાદારને પોતાની ભુજાનું અભિમાન હતું. એણે કહ્યું કે “સાવઝને પડમાં આવવા દઈને મારવામાં શી બહાદૂરી બળી છે ! બોડમાં જઈને બંધૂકે દઉં તો જ હું સાચો સિપાઈબચ્ચો !”

“જમાદાર ! રેવા દ્યો." પણ જમાદારને તો ખેંચપકડમાં વધુ જોર આવ્યું. જાડા જણને બંદૂકો સહિત ઉપાડ્યા. ત્યાં ગીગાનો નેજો દેખાણો. નેજા વિના તો ગીગો ક્યાંય રહેતો નહિ. વાર આવતી દેખાણી. ઘડીક થયું ત્યાં વારે બહારવટીયાને વીંટી લીધા, એટલે હોકો મેલીને ગીગે તરવાર લીધી. પડકારીને જેમ સામે પગલે દોટ દીધી તેમ ગીસ્તનાં મકરાણીઓએ