પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૭૩
 


એમ કહીને વેલો નીચે નમ્યો. માને ગળે બાઝીને કહ્યું : “મા ! મા ! ઉઠો. મને રોટલા કરી દ્યો ને ? હું ભૂખ્યો છું.”

બાળકની ઇચ્છાશકિતથી ડોશીને ઝેર ઉતરી ગયું. ઉઠીને ડોશીમા વેલાને બાઝી પડ્યાં.

(૨)

લા જસમત !”

"કાં ?"

“આ તારો સાથી તો તું ને દિવાળું કઢાવશે દિવાળું ! હવે એને કેટલોક પેંધાડવો છે ? ગમે તેમ તોય કોળો ખરો ને, કોળો ! એનાં તો હાડકાં જ હરામનાં થઇ ગયાં.”

“પણ છે શું ?”

“એ જરાક ખેતરે જઇને જો તો ખરો ! વિસવાસે તારાં બારે વા'ણ બૂડવાનાં છે. આંહીથી ધડસા જેવા રોટલા બાંધીને સાંઠીયું સૂડવા જાય છે, પણ ત્યાં તો ઓશીકે ટાઢી ભંભલી મેલીને ખીજડીને છાંયે દિ આખો ઉંઘી રહે છે. આ વૈશાખ ઉતરવા આવ્યા તો ય સાંઠીયું સૂડાઈ ન રહી !”

જસમતને તો વેલા ઉપર ઘણી ઘણી આસ્થા હતી. વેલો કદિ દગડાઇ કરે નહિ. એના કામમાં પોણા સોળ આની ન જ હોય. છતાં આજ પંદર વરસે જસમતનો વિશ્વાસ ડગી ગયો. એ તો વૈશાખને ધોમ ધખતે બપોરે કોચવાઇને દોડ્યા સીમાડાને ખેતરે. એના અંતરમાં એમ જ થઇ ગયું કે વેલો ઉંઘતો હોય તો પાટુ મારીને જગાડું. અને મુસારાની કોરીઓ જમા છે તે ન આપું. એના વિચારો વણસી ગયા.

ખેતરને શેઢે જઇને જસમતે શું જોયું ?