પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સોરઠી સંતો
 


ગુરૂએ છુરી ખેંચીને છલાંગ દીધી. રામને પછાડી, એની છાતી પર ચડી બેઠા. છુરી છાતીમાં જવાની વાર નથી. તો યે રામડો ન થડક્યો. એને તો જાણે અંતરમાં અજવાળું થયું. એના કંઠમાંથી આપોઆપ વાણી ફુટી. ગુરૂના ગોઠણ નીચે ચંપાઈને પડ્યાં પડ્યાં, મોતની છુરી મીઠી લાગતી હોય તેવા તોરમાં એણે આપજોડીયું ભજન ઉપાડ્યું :


જેમ રે [૧]ઉંડળમાં વેલે રામને લીધો
પ્રેમના પિયાલા વેલે પાઇ પીધા !
મેરૂ રે શિખરથી પધાર્યા મારો નાથજી
મૃગ સ્વરૂપે આવી ઉભા રે;
રામને ચળવા રૂખડિયો આવ્યા,
પૂરણ ઘા પંડે લીધા–જેમ૦

[૨]ગૌહત્યા રે ત્યારે ગુરૂ અમને બેઠી,
પૂરવ જલમનાં કરમ લાગ્યાં;
ભવસાગરમાં વેલે ભૂલો રે પાડ્યો,
સમશ્યાની ભેદે વેલે શરણુંમાં લીધા – જેમ૦

મહા દરિયામાં [૩]બેડી ડોલવા લાગી,
રૂદિયે ના જોયું મેં જાગી રે;
ભરમ વન્યાના ભાઈ ભરમાજી ભૂલ્યા;
એકલશીંગી ગુરૂએ વનમાં લૂંટ્યા -જેમ૦

કરણીનાં રે મારે કમાડ દેવાણાં,
આંખે અંધારી ગુરૂએ અમને દીધી રે;
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો,

ખાવંદે ખબર મારી વેલી લીધી રે - જેમ૦

  1. ૧. બાથમાં
  2. ૨. રોઝડાં ગાયની જાત ગણાય છે.
  3. ૩. હોડી (જીવનરૂપી)