પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સોરઠી સંતો
 


અનહદ વાજાં વાગીયાં સ્વામી !
જોઉં તમારી વાટ રે;
હું સુવાગણ સુંદરી
મારે તમારે વિશવાસ રે – આવો તો૦
કાયામાં [૧]કાળીંગો વ્યાપ્યો
થોડે થોડે ખાય રે :
ભવસાગરમાં બેડી બૂડતાં
બાવે પકડેલ બાંય રે – આવો તો૦
[૨]સામસામાં નિશાન ઘુરે ધણી !
ઘાયે પડઘાયે જાગ રે;
ખડગ ખાંડું હાથ લીધું
ભાગ્યે, કાળીંગો જાય રે – આવો તો૦
વેલનાથ તમારા હાથમાં
બાજીગરના ખેલ રે;
વેલા ચરણે બોલ્યા રામૈયો
ફેર [૩]મનખ્યો લાવ્ય રે-આવો૦

કહે છે કે પૂર્વે આ ગીત ગવાતું ત્યારે સહુ માણસો દેખે તેમ પત્થરોમાંથી પાણીનાં ઝરણ આવતાં અને વીરડા જળે ભરાતા.

એ પરથી તો વરસ મપાતું. વીરડા છલી જાય તો સોળ આના વરસ : ને અધૂરા રહે તો તે પ્રમાણે.

વરસની એંધાણી જોવા માટે ઘણા ઘણા કણબીઓ ત્યાં જતા. નજરે જોનારા આ વાતની સાખ પૂરે છે.


  1. કળિયુગ
  2. વેલાને ખડગ લઇ કવિની સાથે લડતો કલ્પેલ છે.
  3. મનુષ્યાવતાર