પૃષ્ઠ:Sorathi Santo.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભક્તમંડળ
૨૩
 

છોડી દ્યો, તો પાંચ અતિથિને જમાડ્યાનું પૂણ્ય તમારે નામે ચડશે. મારે કાંઈ માયાને ઘરમાં સંઘરવી નથી. ”

“જોયું બાપુ ! ” પડખીઆએાએ દરબારના કાન ભંભેર્યા, “આ વસવાયાંની જાત મહા કપટી ! વેઠ માફ કરી ત્યારે વેરો સોત ગળી જવાની દાનત થઈ ! ગોલાં તો દબાવ્યાં જ પાધરાં !”

“સાચું ! ગોલાં તો માર્યે પીટ્યે જ પાધરાં. વેરો નથી દેતો તે બાંધો એ કમજાતને આ વડલાને થડ. ”

કસકસાવીને રાજનાં માણસોએ ભગતને વડલાના થડ સાથે ઝકડી લીધા. ભૂખ્યા ને તરસ્યા ભગત બંધાએલા રહ્યા. ગામમાં કળેળાટ બોલ્યો. ઇર્ષ્યાળુ હતાં તેને આનંદ થયો.

દરબારના જુલમની વાત છેવટે જાદરાને કાને ગઈ. ખેતરેથી આવીને ભૂખ્યો જાદરો ભાણા ઉપર બેસે છે ત્યાં જ માંકબાઈએ કહ્યું “કાઠી, ગરૂને તો દરબારે બાંધ્યા છે.”

ભાણું ઠેલીને જાદરા ભગત ઉભા થયા. ચાલ્યા. છેટેથી એણે એ દેખાવ જોયો. જોતાં એનું દિલ બહુ કોચવાયું.

“હાં ! હાં ! જાદરા ! ” અટાણે ક્યાંઈક અવળું વેણ ન બોલાઈ જાય હો !”

“અવળું વેણ તો બીજું શું બાપુ ! પણ તમને બાંધ્યા તોય હજી આ વડલો કાં લીલો રહ્યો ?”

જાણે પોતાનો અપરાધ કબૂલતો હોય તેમ વડલો સૂકાવા લાગ્યો. એની આખી યે ધટા ભસ્મ થઈ ગઈ. [આજ પણ એ શાપિત વડલો થાનમાં ઉભો છે.]

“હાં ! હાં ! હાં ! જાદરા ! જો ગઝબ ન થાય. લાખુંના પાળણહારને માથે પ્રભુનો સેવક ન જાય હો બાપ ! નીકર પીરાણું વગેાવાશે. અને આપણે કાળમુખા કહેવાશું. ”

તે દિવસથી મેપા ભગતનાં કુટુંબનાં વેઠવેરો બંધ થયાં. અને આજ સાડા ત્રણસો વરસે પણ બંધ જ છે.