પૃષ્ઠ:Sorathi Santo.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભક્તમંડળ
૨૫
 

ભગતનું થાનક ગામની બહાર હતું. એક દિવસ સવારે એક ટેલીઆએ આવીને ખબર દીધા કે “ બાપુ ? થાનને પાલટયુ ? ”

“થાન પાલટ્યું ! કયારે ? ”

“રાતમાં.”

“કોણે ?”

“લખતર દરબારે.”

“તે કાંઈ ધરધીંગાણું ન સંભળાણું, કાંઈ ઝાટકા ન બોલ્યા, ને થાન બદલાણું ? ”

“ભગત, કરપડા દરબારની તો દેહ પડી, કુંવર નાજા કરપડાને લઈને બાઈ ખુણો મેલાવા ગયાં, ને વાંસેથી ગામ નધણીઅાતું દેખીને લખતરના ઝાલા બથાવી બેઠા. આમાં કોની પાસે જઇને દાદ ફરીયાદ કરવી ? ”

ભગતનો જીવ આવો અન્યાય સાંભળીને કોચવાયો. થોડા દિવસ થયા ત્યાં વિધવા બાઈ જુવાન કુંવર નાજા કરપડાને તેડીને થાનકમાં આવી. બાઈએ આપા ગોરખા પાસે બોર બોર જેવડાં પાણી પાડ્યાં. પણ નાજો કરપડો બોલ્યો કે "હવે થયું. લખતરને આપણથી શે પોગાય ? સૂરજ સામે ધુડ ઉડાડવી છે ને ?”

“બોલ મા, બાપ નાજા ! બોલ મા !” ભગતે કહ્યું, “ જા બાપ ! આ લે આ નાળીએર. ઠાકર તને થાન પાછું દેશે. ગૌધન સાંજે ગામમાં આવે ત્યારે તારાં માણસો તેડીને આવજે. જેટલાં શીંગડાં એટલા બગતરીઆ થાશે. ઠાકરને ઘેરથી કટક ઉતરશે. મુંઝાશ શીદ ? અનીઆ કાંઈ ઠાકર સાંખે નહિ.”

થાન બદલાણું. લખતરનો નેજો નીચે પછાડી નાજા કરપડાએ પોતાના બાપની આણ વર્તાવી. ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં એણે એક વાડી ગોરખા ભગતની જગ્યામાં આર્પણ કરી.