પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફરી લઉં ને લગ્નવેદીમાં જવતલ હોમી દઉં એટલી અવધ તું મને આપ; પછી હું તારી જ બનીશ.

પરંતુ પછી તો વંટોળ વાયો, રૂખમાઈની ચૂંદડી ઊડી પડી.

એની ચૂંદડી ઊડી, ને એ તો ટોપીવાળાના ઘરમાં પોઢી ગઈ.

આ રીતે અનેક નાવિક પુત્રીઓ આ પરદેશીઓની હવસ-જાળમાં ફસાઈ પડ્યાના કરુણ કિસ્સાઓ બન્યા હશે, ને તેમાંથી આવાં ગીતો દ્રવ્યાં હશે. તમે આ ગીત સાંભળો તો તો તમને ખાતરી થશે કે આ મલિન ગમ્મતનું કે સામાજિક કટાક્ષનું નહિ પણ અસહાયતાની આહ દર્શાવતું રુદન-ગીત છે. બંકિમબાબુની 'ચંદ્રશેખર' નામની કથામાં એ જ રુદન ઠલવાયું છે.

બેવફાઈ ઉપર અફસોસ દર્શાવતું આ તે પછીનું ગીત:

[6]

    રે ખાડીમાં મછવો, એલા!
            રે ખાડીમાં મછવો;
એકને મેલી બીજાને નીસવ્યો, જવાનડા!
    રે દરિયામાં લીલ છે, એલા!
            રે દરિયામાં લીલ છે;
સાચી નજરું ને ખોટાં દિલ છે, જવાનડા!
    રે કાપડામાં હીર છે, એલા!
            રે કાપડામાં હીર છે;
ગાંગલો મેઘુરિયો મારો વીર છે, જવાનડા!
    રે દરિયામાં ઝીલું, એલા!
            રે દરિયામાં ઝીલું;
કાપડું લીધું રે મારું લીલું, જવાનડા!
    રે નેરાં ને ખાતરાં, એલા!
            રે નેરાં ને ખાતરાં;
જાડા દિવસનાં પડ્યાં વાંતરાં, જવાનડા!
    રે ઓઢેલી ઘાંટડી, એલા!
            રે ઓઢેલી ઘાંટડી;
આઠ્યે દા'ડે જોઉં તારી વાટડી રે, જવાનડા!
    રે ખેતરમાં ઓઘો, એલા!
            રે ખેતરમાં ઓઘો;
વાણ આવે ને કરું મોંઘો રે, જવાનડા!