પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

    રે હાથુમાં સૂપડું, એલા!
            રે હાથુમાં સૂપડું;
શ્યારો આવે ને વા'ણ ઊપડ્યું રે, જવાનડા!
    રે ઢીંસાંમાં ભટિયાં, એલા!
            રે ઢીંસાંમાં ભટિયાં;
હવે વિંખાણા મારાં ઝંટિયાં રે, જવાનડા!
    રે હાથુમાં સોટી, એલા!
            રે હાથુમાં સોટી;
હવે કરીશ મા મને ખોટી રે, જવાનડા!
    રે ખોળામાં ખારકું, એલા!
            રે ખોળામાં ખારકું;
ખારને દરવાજે તારું પારખું રે, જવાનડા!
    રે ખેતરમાં બોરડી, એલા!
            રે ખેતરમાં બોરડી;
મ'વે આવીને લેશું ઓરડી રે, જવાનડા!

[અર્થ:જુવાન ખલાસી! હજુ તો તારો મછવો ખાડી પાર કરીને નીકળ્યો નહોતો ત્યાં તો તારી માશૂકે તને મૂકીને બીજા સું પ્રેમ બાંધ્યો.

હે જુવાન! દરિયા માયલી લીલ જેમ દેખાવમાં રૂપાળી પણ અનુભવમાં લપસણી છે, તેમ જ પ્રેમીઓની નજરમાં પ્રેમ દેખાય છે પણ અંદરમાં દિલ ખોટાં હોય છે.

હે જુવાન, હું સાચું જ કહું છું કે ગાંગલો મેઘૂરિયો નામનો નાવિક મારો ભાઈ જ છે; એની સાથે મારે સ્નેહ નથી.

દરિયામાં જેમ ઊંડી ગાલીઓ હોય છે તેમ મારી-તારી વચ્ચે પણ ઘણા દિવસનું અંતર પડી ગયું છે.

ઘાંટડી (ચૂંદડી) ઓઢીને હું આજ આઠમે દિવસે તારી વાટા જોઉં છું.

આપણા ખેતરમાં અનાજનો ઓઘો (ઢગલો) ખડકાઈ ગયો છે. હવે તો તારું વહાણ ઘેરે આવે એટલે હું તને અત્યંત મોંઘો (મહિમાવંતો) કરું; ખૂબ પ્રેમ કરું.

મારા હાથમાં સૂપડું હતું. શિયાળો, કે જે સહજીવનની ઋતુ છે, તે આવતાં જ તારું વહાણ તો ઊપડી ગયું.

રેતીના ઢગલામાં એટલા બધાં ડાભોળિયાં (કાંટા જેવું ઘાસ) છે કે ખેતરમાં કામ કરતાં કરતાં એ કાંટા ભરાઈ ભરાઈને મારાં ઝંટિયાં (વાળ) વીંખાઈ ગયાં છે.

હવે તું મને વાટ ન જોવરાવ.

શહેરને બંદર-દરવાજે તારી પ્રીતિની પરીક્ષા થઈ જવાની.

તું આવીશ એટલે આપણે મહુવા શહેરમાં એક ઓરડી ભાડે રાખશું ને ત્યામ્ સ્વતંત્ર રહેશું.]