પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાહિત્યનું વ્યવસ્થિત વિવેચન નથી. છતાં તે આ તમામ તત્ત્વોનો મનસ્વી સમુચ્ચય છે : ચિત્રકારની સુરેખ રંગપૂરણી જેવો નહિ, પણ સાંજ-સવારના આકાશમાં રેલાતી તીખી અને મીઠી અસ્તવ્યસ્ત રંગરેખાઓ સરીખો : અસ્તવ્યસ્ત અને તરંગી, એ જ એની પદ્ધતિ છે.

સૌરાષ્ટ્રની રેલગાડીમાં અથડાતા–પીટાતા અથવા ઊંચા વર્ગના ડબામાં કોઈ સંગાથી વિના કંટાળો અનુભવતાં પ્રવાસી ભાઈ કે બહેન! તમારા એકાદ બે કલાકોને આ વર્ણન શુદ્ધ દિલારામ દઈ શકે, સૌરાષ્ટ્ર વિશે તમારામાં થોડો રસ, થોડું કૌતુક ઉત્પન્ન કરી શકે, અને એ ક્ષણિક લહેરમાંથી આ પ્રદેશની પૂરી ઓળખાણ કરવાની ઉત્કંઠા જગાડી શકે, તો પ્રવાસી પોતે બગાડેલાં શાહી-કાગળની તેમ જ તમે ખરચેલા પૈસાની સફળતા સમજશે. વધુ ધારણા રાખી નથી.

ઈતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સમાજ વગેરે આજે જુદાં જુદાં ચોકઠામાં ગોઠવીને શિખવાય છે. એ પદ્ધતિઓ શીખવનારાઓને પોતાના વતન પર ખરી મમતા નથી ચોંટતી. પ્રવાસ-વર્ણન એ સર્વનું એકીકરણ કરીને, તેમ જ થોડા અંગત ઉદ્ગારોની પીંછી ફેરવીને ત્વરિત ગતિએ વાચકોને પોતાની પ્રવાસભૂમિ પર પચરંગી મનોવિહાર કરાવે છે. પાઠ્યપુસ્તકોની એ ઊણપ પૂરવામાં આ યાત્રા-વર્ણન શાળાઓના જુવાન દોસ્તોને મદદગાર થાય એ એક ખાસ દૃષ્ટિ છે.

નાવિકોનાં લોકગીતો મને નવાં જ લાધેલ છે. આ પંદર-સોળ તો એક જ બેઠકમાંથી પ્રાપ્ત થયાં છે, તે પરથી મારી ધારણા છે કે હજુ બીજાં ઘણાં – સ્ત્રીઓ ઉપરાંત પુરુષોને પણ પોતાની દરિયાઈ ખેપોમાં ગાવાનાં – હાથ લાગશે.

સાગર-તીરે પ્રવાસ કરવાની ઘણા સમયની સંઘરાયેલી ઈચ્છાને એકાએક જાગ્રત કરનાર બે બળો આવી પડ્યાં : એક તો શ્રી ‘સુકાની’ નામના સિદ્ધહસ્ત લેખકની દોરેલી લાક્ષણિક દરિયાઈ વાર્તાઓ; ને બીજું વધુ ઉત્તેજક, શ્રી ગુણવંતરાય આચાર્યની રોમાંચક ‘સોરઠી સાગરકથાઓ’!