પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ જેમ હાથમાં આવે તેમ, આડફેડ ફેંકાફેંકી કરીને નહીં. ધડાબંધી વાર્તાની સાંકળના પદ્ધતિસર સાંકળેલા અંકોડાને રૂપે. ને એ કામ દોહ્યલું હતું. લોકોની યાદદાસ્ત નબળી પડી છે. જૂના પાવરધા દુહાગીરો મરી ખૂટ્યા છે. અત્યારે લોકોમાં જઈ પૂછશો તો કેટલાય જણ દુહા ગાઈ દેખાડશે ખરા, પણ એક ચરણ ક્યાંકનું, તો ક્યાં જાતું કોઈ બીજા જ દુહામાંથી તફડાવેલું બીજું ચરણ બંનેને મારી મચરડીને બેસતાં કરેલાં પાંખિયાં અર્થનો અનર્થ સાચા અસલી શબ્દોનું જોર ન જડે ન જડે મૂળ કે કલ્પના કે વિચારજુક્તિ. જૂનામાં નવું થીંગડું દીધેલું હોય ! એક વાર્તાનો દુધ ઉઠાવી લઈ. કેવળ એકાદ શબ્દફેરને લીધે બીજી કોઈ વાતમાં ઠોકી બેસાર્યો હોય ! શબ્દોનાં માપ કે પંક્તિનાં પ્રમાણ ન સચવાયાં હોય એવી ગજબ વિકૃતિ ! એને હું દુઃસાહિત્યની સુંદર સૃષ્ટિમાં ખપાવું તો ખપી શકે છે ખરું, પણ એ વેપાર કૂડનાં કાટલાંવાળો. એથી હું નથી ઇતિહાસને ન્યાય આપતો, ન સંશોધનને કે સાહિત્યને. છાતિયું ફૂટી ગઈ’ માટે જ મેં રાહ જોઈ છે, ભમીભમીને, સાચા પાઠ શોધવા માટે કંઈ કંઈ વાતડાહ્યાઓને પંપાળ્યા છે. ઊંધું ઘાલીને નોટો ભરતો ગયો છું. અનેક પાઠો ભેગા કરીને સાચું સ્વરૂપ કયું હોઈ શકે તે કોમળ હાથે તપાસ્યું છે. રેલગાડી દોડી જતી હોય, દિવસની કામગીરી પતાવી રાતની મુસાફરી કરતો, સૂવાનું ને પંથ કાપવાનું એમ એક પંથ દો કાજ પતાવતો હોઉં; એવી અનેક અધરાતે ટ્રેનના ડબ્બામાં ચડીને લલકાર કરતા ગ્રામ્ય દોસ્તોએ મને મીઠી મીઠી ગીતસૃષ્ટિમાં જગાડવો છે. હળવદના ચીંથરેહાલ ખેડુભાઈઓ ભાવનગર ગાડાં ખરીદવા જતા હોય; બરડાનો ગોવાળ ચારણ એની ભેંસોના ચરણ માટેની પાનચરાઈના ત્રમણાં-ચોગણા વધારવામાં આવેલા દરો ઉપર દિલની વરાળો ઠાલવતો પાનેલીના કે ગીરના કોઈ બીડને વેચાતું રાખવા દોડ્યે જતો હોય; વીંખાયેલા મેળામાંથી કે નવરાતની એકાદ કોઈ રાત્રિએ કોઈ ગામમાં રમાયેલી ભવાઈમાંથી રસતરબોળ બનીને વળેલા મુસાફરો ચડ્યા હોય; એ સૂએ શી રીતે ? કયે સુખે એને નીંદર આવે? ફાટેલા કેડિયાના ગજવામાં સંતાડીને દબાવી રાખેલી એની લોહી સાટે રળેલી ખરચી રખેને કદાચ કોઈ અંતરિયાળ કાતરી જાય ! – આ બીકે એ ઉજાગરા ખેંચે અને ગળામાંથી સોરઠા ખેંચે. હું જાગીને છેટો બેઠો બેઠો વેણ પકડવા મથું. નોટ કાઢીને શબ્દો ટપકાવવા માંડું. ગાનારની આંખો ત્રાંસી થાય. નોટબુકમાં પેન્સિલ ફરી રહી છે, પોતાની વિરુદ્ધ કાંઈક ભેદી ટાંચણ થઈ રહ્યું છે ! એ અટકી જાય. ગરજ રહી મારે, એટલે એનો અંદેશો દૂર કરવો, એ મશ્કરી સમજીને સંકોડાઈ જાય એટલે મારે મારી સચ્ચાઈની ખાતરી આપવી, એની ભુલકણી સ્મૃતિને હુલાવવી. એ કહેશે, અરે બાપા ! આ તો અજડવાણી : આ અમારાં અભણનાં ગાંડાંઘેલાં તમને સુધરેલાને આમાં શો ૨સ” ઘણું ઘણું કહીએ, પણ ઠેકડી જ માને. બીતો ને સંકોડાતો બોલે, વળી શબ્દો ભૂલી જાય. ફરી ફરી ઉથલાવે, યાદ ન આવે એટલે ઊંડો નિઃશ્વાસ નાખીને કહે કે, “ભાઈ ! હવે તો હૈયું ફૂટી ગયું; હતા તો સો-સો દુહા જીભને ટેરવે, પણ હવે છાતિયું ફૂટી ગઈ ! સોરઠી ગીતકથાઓ

395

સોરઠી ગીતકથાઓ