આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તથાપિ પૃથ્વી શી રજની–દિન તું નિશ્ચલ રહી, હસીને હોંશેથી સકળ મુજ ચેષ્ટા સહી શકી, અરે ! એથી ઉંચી ! દિલ નહિ લગારે ડગમગી, સ્થિરા તું સર્વાંશે, નહિ તુજ સમી આ વસુમતી.
સગાંના સંતાપો સહન સધળા સદ્ય કરવા, અને વક્રોક્તિના વિકટતર ગોળા ગળી જવા; તરંગી તોફાનો શિશુજન તણાં સહ્ય ગણવાં, હઠીલાં હૈયાંને હૃદય પર રાખી રીઝવવાં.
સુશીલાં સંતાનો મરણ-મુખ માંહે જઈ વસ્યાં, રહ્યા એના મીઠા સ્વર અનિલ કેરા ઉદરમાં; કદી કર્ણદ્વારે પ્રકટ થઈને આવી પઢતા, શમેલા સંતાપો અહમહમિકાથી ઉલટતા.
અનેરો એ અગ્નિ સલિલ વિણ હા ! શાંત કરવો, છતે આપત્કાળે ઉર નહિ વિપદ્ધર્મ ધરવો; રહ્યું રોવું તોએ જગ-જન કને નિત્ય હસવું, થતું ઉડું ઉડું હૃદય દૃઢતાથી દબવવું.
અરે! એ કર્ત્તવ્યો જરૂર અકળાવે જગતને, પડે તેને વાગે કદર કશી ના અન્ય ઉરને; પરંતુ એ પ્રૌઢો હૃદયભર રાખી હૃદયમાં, પ્રપચેામાં પેસી સતત વસવું સૃષ્ટિતલમાં