લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૯૯ )
<poem>

પીયૂષ પ્રાણને પાતી, કર્કશત્વ નિવારતી, સ્નેહસ્રોત સદા વ્હેતી દિવ્ય નિર્ઝરી.

( શાર્દૂલવિક્રીડિત )

દીપાવે અતિ દીપ્ત દીધિતિ વડે ભાનુ ભલે વિશ્વને, ગાઢ ધ્વાન્ત નિવારતો, ભભકતા તેજે દિશાએ ભરે; કિંતુ શીતલ ને સુધા વરસતી, આહ્‌લાદ ઉદ્દભાવતી, મીઠી, માનસ ઠારતી અજબ કૈં ચંદા તણી માધુરી.

( સ્રગ્ધરા )

ઘેરા કેકારવથી વિપિન ગજવતો, ક્રીડતો કૈં કલાપી, ને શોભીતી કળાથી હૃદય રીઝવતો ઉચ્ચ આનંદ આપી, કિંતુ મીઠા કુહૂથી વ્યથિત ઉર તણે શોક સંહારનારી, કૂંજતી કોકિલાના રસિક હૃદયની રમ્યતા કૈં અનેરી.

( શાર્દૂલવિક્રીડિત )

ઉડી કોયલ એ ભલે વન ત્યજી દૂરે જવાની હશે, મીઠું કૂજન તોય ત્યાં રહી રહી પ્રેમે ભર્યું પ્રેરશે; ને એ અંતર ઉછળી ઉછળીને સત્સ્નેહ સંભારશે, ભોળા ભાવભરી, સુધા વરસતી આશીષ કૈં આપશે.