આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( સ્ત્રગ્ધરા ) ઉભી ત્યાં વાટ જોતી પ્રણયસરિત શી માવડી સ્વાન્ત-મીઠી, દોડી, દીઠી ન દીઠી વિકળ સમ જઈ કારમી કંઠે બાઝી, ચાંપી અગે ઉમંગે હૃદય ભરી ભરી પ્રેમ પીયૂષ પીતી, ના છોડી, ને ન છૂટી, જડ સમ ઉરના ઐક્યથી બેય ઉભી.
( મન્દાક્રાન્તા )
મૂગાં બન્ને હૃદય ઠલવ્યાં, અંગ ને સ્વાન્ત ભીંજ્યા, પૃથ્વી ને ગગનતલની શું બની એક ગંગા? ના વાણીનો વિનય કંઈ ને કૈં ન સત્કાર મીઠો, પ્રેમી કેરો પંથ અજબ હા ! સંસૃતિમાં ન દીઠો !
(દ્રુતવિલંબિત )
અકળ સ્નેહ તણી જનની ધુની, અજબ કૈં દુહિતા રસપુત્તલી, ગહન એ ઉરના રસ–ભાવને. જગત ના નિરખી પરખી શકે.
( અનુષ્ટુપ )
ભલે પુત્ર તણી મીઠી લ્હાણ છે મનુજાતને, પરંતુ લ્હાણ લાખોની દીકરી એક ખાણ છે !