લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'કલ્લાલિની'ની પેઠે આ સંગ્રહમાં પણ છંદઃશાસ્ત્રપ્રતિપાદિત વૃત્તોનો જ વિશેષતઃ ઉપયોગ થયેલો જોવામાં આવશે. છંદોની લોકપ્રિય- તાની તે કોઈથી ના કહી શકાય એમ નથી. સંગીતના અનેકવિધ નવનવીન મનેાહર રાગો અમુક કાળે રૂપાંતર સ્વીકારતાં જણાય છે, શાસ્ત્રસિદ્ધ મુખ્ય રાગોના એ અનેકવિધ બાળકો કાળાંતરે જીર્ણ કે નષ્ટ થઈ જાય છે, અને નવાં ઉદ્ભવતાં જાય છે, ત્યારે દેવબાળક સમાં આ વૃત્તો હજારો વર્ષથી એવું ને એવું જ અવિકૃત સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે, એટલું જ નહિ પણ ભિન્નભિન્ન પ્રાકૃત ભાષામાં ઉતરવાથી તેનું સૌંદર્ય વધારે ને વધારે ખીલતું રહ્યું છે. તદુપરાંત એ પણ કાવ્યદેવીના ઉપાસકોને સમજાવવું પડે એમ નથી કે કાવ્ય હંમેશા સ્વેચ્છાનુકુળ વૃત્તને સાથે લઈનેજ ઉદ્ભવે છે એટલે એ સંબંધમાં લેખક અસ્વતંત્ર પણ છે. એથી પણ કાવ્ય કે તેના સંગ્રહમાં વૃત્ત કે રાગના પ્રશ્નનને અવકાશ રહેતો નથી.

ઉપોદ્ઘાતના વિદ્વાન લેખકના અભિપ્રાય અને તેમની ખાસ સૂચનાને માન આપી કઠિન શબ્દોને વિસ્તૃત કેાશ અંતમાં આપવામાં આવ્યો છે. સામાન્ય વાચક બંધુઓને સઘળાં કાવ્યો સમજવામાં તે સહાયભૂત થશે તો તે માટેને શ્રમ સફળ થયો ગણાશે.

અંતમાં સદ્વિધાને વિવિધ પ્રકારે ઉત્તેજન આપનાર ભાવનગરવાસી સ્વ. માધવલાલ છોટમલાલ અને અન્ય સાહિત્યવિલાસી સદ્‌ગૃહસ્થો, જેમણે આ પ્રવૃત્તિમાં યોગ્ય સહાય આપી છે, તેમને આભાર અત્ર પ્રદર્શિત કરવા ઉચિત ધારૂં છું.

બેટાદ
તા ૧૫-૯-૧૮.
}
દામોદર ખુશાલદાસ બેટાદકર.