પૃષ્ઠ:Strotasvini.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૭ ) <poem>

પિયર

( સ્ત્રગ્ધરા )

સાચા વાતાયનેથી પ્રિય પિયર તણો પ્રેમથી પંથ જોતી, તે એ વ્હાલી દિશાનાં તરુ, ગિરિ, નગરો અંતરે નોંધી લેતી; ઉડીને આવતાં કે ગગન ચિતરતાં પક્ષીઓને નિહાળી, ઉંચી, નીચી, અધીરી પણ વિપળ થતી બ્હાવરી ભાવભેળી.

વર્ષાની વાદળીને નિરખી નભ વિષે આવતી આશઘેલી, વ્હાલાંની કૈંક વાતો હૃદય ભરી ભરી પૂછવા ચિત્ત ચ્હાતી; ને ક્યારે કાંઈ દૂરે ક્ષિતિજઉર પરે ઉડતી ધૂળ દેખી, સેવી સંકલ્પ મીઠા, પુલકિત બનતી, ના શરીરે સમાતી.

એ પંથે આવનારા પ્રતિ પથિક વિષે તાત ને ભ્રાત કેરી, શંકા સ્હેજે થતી ને વહી જતી પળમાં, આવતી તોય પાછી; ક્યારે ઉડી ઉમંગે, અવશ ઉર થકી પ્રેમની દિવ્ય પાંખે, વ્હાલાનાં વૃન્દ વચ્ચે ક્ષણભર વિરમી આવતી શોકસંગે.

સોને રૂપે રસેલા, જટિત મણિ થકી શોભતા પિંજરામાં, આસ્વાદો કૈં અનેરા, વિવિધ રસ ઉરે સેવતી સારિકા આ; સંભારી શોક પામે સધન વિપિનને, વૃક્ષને, વેલિએાને, પુષ્પોને, પક્ષીઓને, અમલ ઉર તણી મિષ્ટ કૈં કેલિઓને;