આશાને અંક બેસી, નવ કુતૂહલથી દેખવા નવ્ય સૃષ્ટિ, કે ભાવોથી ભરેલી, દયિતકર વિષે અર્પતી હસ્ત આવી; મોંઘા મ્હેમાન જેવી, નવલ જગ તણાં પામતી માન મીઠી, સ્વર્ગ ગાના સુભાગી સલિલશીકરથી નિત્ય ન્હાતી નવોઢા;
તોએ જીવે જડેલું મહિયર મધુરૂં પ્રેમના ધામ જેવું, વીસાર્યું વીસરે ના, અગણિત બળથી ચિત્તને ખેંચનારૂં, પ્રીતિનાં પૂર વ્હેતી, સકલ રસભરી માતની સોડ્ય મીઠી, મીઠી સાહેલીઓ એ, હૃદય વિલસતી કેમ થાયે અદીઠી!
અાંબાની ઉંચી ડાળે મળી સહિયરમાં બાંધી હિંદોલ હિચ્યાં, ને ક્રીડાથી નદીનાં હસી હસી હરખે નિર્મળાં નીર ઝીલ્યાં; ચંદાની ચંદ્રિકામાં રસભર રમતાં રાસની લ્હાણ લીધી, ને જ્યાં નાના વ્રતોથી, અજબ ઉછળતા ભાવથી ગોર્ય પૂજી.
બાલુડા બાન્ધવો એ પરવશ સરખા સર્વદા સંગ રે'તા, 'બ્હેની, બ્હેની ' કહીને સરણિ સકળમાં જે કરાલંબ લેતા; નાચી, કૂદી, રમીને વિમલ રસભર્યું જે સ્થળે સ્વાન્ત રાચ્યું, જ્યાં માયાથી નિરાળું, અવિકૃત ઉરનું, મીઠડું બાલ્ય મૂક્યું.
મૂકયું જ્યાં નામ ન્હાનું, પુનિત પદ થકી પૂર્ણ પુત્રીત્વ મૂક્યું, ને વાત્સલ્યે ભરેલું જનક-હૃદયનું સ્વર્ગ શું છત્ર છોડ્યું; મીઠા 'તું ' કાર કેરા મૃદુલ કુસુમથી વિશ્વ લેતું વધાવી, ક્યારે મોટી શિલાએ બહુવચન તણી જ્યાં ન દેતી દબાવી.