એ સંસારાબ્ધિ કેરા અકળ ઉર પરે દીપતા દ્વીપ જેવું, ભૂલાયે ના ભવાંતે પિઅર, પિયર હા ! પુણ્યવંતુ પનોતું એ સંભારી સ્નેહભીનું હ્રદય ધબકતું, નિત્ય નિઃશબ્દ રોતું, અંતે ગંભીર ભાવે નવ સમુદયમાં શીઘ્ર સંક્રાન્ત થાતું.
ઉભેલી અાંગણામાં વિકળ હૃદયથી વાયસોને વધાવે, ચંદાને રંચ રોકી, પ્રણય પિગળતું સ્વાન્ત સંગે પઠાવે; ક્યારે એકાંત સેવી, જનની-વિરહનાં ગુંજતી ગીત ગાતી, ને એ રે'તું અધૂરૂં રૂદિત હૃદયમાં, નેત્રથી નીક વ્હેતી.
આવેલો જાણી ક્યારે જનકગૃહ તણો પાન્થ કે સન્નિવેશી, દોડી દોડી અધીરી સ્વજનકુશલ કે પૂછવા વ્યગ્ર થાતી, વાણી સંગે અધીરૂં હૃદય ઉછળતું, પ્રશ્નનનું પૂર વ્હેતું, ને શાંતિ શેધતા એ શ્રમિત પથિકને મુંઝવી દુઃખ દેતું.
તેઓ નિશ્ચિંત રે'વા જનની જનકને શાંત સંદેશ દેતી, ને વ્હાલાં ભાંડુઓને હૃદય-કુસુમ શી કૈંક આશીષ કે'તી, સંતાપોને શમાવી વદતી હસી હસી, રોકતી અશ્રુધારા, મોંઘા સ્વર્ગદ્વયે એ સતત વિલસતી ઉજ્જવળી આર્યબાળા