આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મધુર એ સ્વર, એ પળ હર્ષની, પ્રયણ–પુણ્ય-સુધારસ વર્ષતી, શ્રવણ મંગલ શોભન એ શ્રુતિ, શકુનરૂપ સુભાગ્ય સરસ્વતી.
હૃદયથી પળ એક ન એ ખસી, ન થઈ જીર્ણ, ન મંદ દીસે જરી. સકળ માનસનાં પડ વિંધતો, સતત એ સ્વર ઉપર આવતો.
ભવ તણા પરિતાપ ભૂલાવતો, અવનવું ઉરને બળ આપતો, અતિ મનોહર જીવનમંત્ર એ. વિધિવિનિર્મિત અંતરતંત્ર એ.
હૃદયમાં રસ એ સ્મૃતિ વર્ષતી. કઠિન કંકર સત્વર ગાળતી, ચરણને શ્રમ નિત્ય નિવારતી, નિકટ હિવ્ય નિકેત બતાવતી.