"હસી બેાલી હેતે તમ હૃદયને હૃષ્ટ કરશે, "રમાહીને રંગે, સતત લઈ સંગે વિચરશે;" દિલાસા દેતી ને હૃદય સરસા ચાંપતી અરે ! પરંતુ પ્રાણેશે હૃદય કંઈ વિશ્વાસ ન ધરે.
પિતાને સૌ પૂછે, કંઈક જન પૂછે જનનીને, પરંતુ આને કયાં પૂછવું મમ આરોગ્ય જઈને ? ભુંડા ભાવી તર્કો હૃદય પટ ચીરે અયુતધા, મને વ્હાલાં કેરાં અહિતશતશંકાકુલ સદા.
ઘડી એક સ્થાને ઠરી નવ શકે ધીરજ ધરી, વિપજ્જાલે પેસી હરિણી સમ કંપે હર ધડી; સુરોને સંભારી વિહિતવિનયા પ્રાર્થન કરે, પતિને મૃત્યુના કર થકી મૂકાવા કરગરે.
ઘડીમાં શાંતિથી શ્રવણ દઈ સાશંક શુણતી, સગાંના સંવાદે ભયચકિત ભીરૂ ભડકતી; અરેરે ! સંસારે જરૂર સુખ શોધ્યું નવ જડે, વડા વિઘુત્પાતે કદલી ઢળીને કાં નવ પડે ?
ખરે ! પામી મૂર્ચ્છા, નહિ જઈ ઉઠાડે નિકટ કો, ધડી જાતાં ઉઠી, અહહ ! દુઃખકારી સમય શો ! સગું તેનું સાચું નહિ જગતમાં કો પણ રહ્યું, પતિ પ્હેલાં હા ! શું સકળ સુખ દૂરે વહી ગયું !