અરે ! આ એકાંતે રડતી મમ ભોળી પ્રિયતમા, મૂકે છે નિ:શ્વાસો પ્રલયસમયસ્પર્શન સમા; ઘડી પાસે આવી મુજ વિલોકી નવ શકે. અધીરાં આંસુને વિપળ પણ રેાકી નવ શકે.
દશા એના દુ:ખી હૃદય તણી કેવી થતી હશે ? નિરાધારા દારા વિપદનિલથી વેપતી હશે ! સુભાગી શુંગારો ઘડી પછી શું એના ઉતરશે ? અરે ! શું મૃદ્ધંગી પ્રિયવિરહ વૈધવ્ય ભજશે ?
દયા લાવી એની નિકટ જન કોઈ નથી જતું, મુંઝાણી જાણી ના પતિવચનથી શાત કરતું; પડે જેને માથે સહન જગમાં તે જન કરે, સહુ દુઃખે ડૂબ્યાં, ક્યમ ઇતરનું સંકટ હરે ?
રૂદંતી રામાની સમીપ શિશુ પેલાં ટળવળે, મુખે વીલે રોતાં, જનની મુખ જોતા પળપળે; "અહો ! માતા ! શાને રૂદન કરતી દીન વદને ? "પિતા કાં ઉઠે ના ? નિકટ નવલે કેમ અમને ?"
"બિચારાં ઓ ! મારાં શિશુ સતત ભાગી સુખતણાં ! "શિરે છાયાં અભ્રો નિરખી ન શકો સંકટ તણાં; "રડે શાને બાપુ ! તમ જનક આરોગ્ય લઈને, "પથારીથી કાલે જરૂર ઉઠશે સ્વસ્થ થઈને.