પૃષ્ઠ:Strotasvini.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨૪ ) <poem>

ઘડી અંકે રાખી સુતવદન હોંશે નિરખતો, શુણી કાલાં ઘેલાં મૃદુ વચન હૈયે હરખતો; થતી હૃત્સૃષ્ટિમાં બહુ વિધ ક્રિયાને અનુભવું, ન જાણે જેનારાં, પરવશ નહિ હું કહી શકું.

રૂએ માતા પેલી, જનક–મન છાનું અહીં રુએ, નિરાશે, નિઃશ્વાસે, વ્યથિત બની મારૂં મુખ જુએ; અરે ! એની આશા સહજ સહુ લાગી સળગવા, વિચારો ધારેલા ઉર ઉછળી આવે ખસી જવા.

ભિષણ ધ્યાનાભાસે ધમની અવલોકે કર ધરી, ઘડી અાશાવેશી, ઘડી ઉર નિરાશા ઉલટતી; અરે ! શાને ઘેલા વિફળ વિષયે યત્ન કરતે ? ઉકાળા આ કાળા દઈ વિવિધ કાં દેહ ભરતો ?

ચડ્યું સ્કંધે ચાહી નહિ મરણ પાછું હઠી જશે, ઉપાયો સૌ તારા વન-રૂદન જેવા થઇ જશે. દશા આ સર્વેની જરૂર બનવાની જગતમાં, હું આજે તું કાલે નહિ ધરવી શંકા નિધનમાં.

ઉદાસી મિત્રો ને પરિચિત જનો સૌ કળકળે, પૂછે વારે વારે, અભિલષિત ના ઉત્તર મળે; રહી શાંતિ વ્યાપી પિતૃવિપિન જેવી સદનમાં, શુણી શું મૃત્યુનો પદરવ સહુ મૌન ધરતાં ?