વિયેગાવસ્થાને અમુક દિન તું સહ્ય ગણજે ! નિરાંતે દેહાંતે મુજ હૃદયને આવી મળજે ! અદેહીની સૃષ્ટિ, સતત સુખવૃષ્ટિ થકી ભરી, યથાકાળે કાન્તે ! અભય બનવું ત્યાં પદ ધરી.
નહિ જ્યાં સંસારી સહજ પણ દુઃખો રહી શકે, નહિ જેની કીર્ત્તિ સુરગુરૂ સમાએ કહી શકે; સુરોની સંગાથે રસભરિત જ્યાં અંતર રમે, પ્રિયે ! એ સૃષ્ટિમાં ગમન મનને કેમ ન ગમે ?
જવા દે ઉત્સાહે વિતથ જગમાંથી મન ત્યજી, પરાનંદે પ્રીતિ પ્રકટ થતી ના રોક્ય રમણી ! રૂએ છે આ બાળો, દઈ દિલ દિલાસો નિકટ લે ! નબાપાંનાં દુઃખો મન નયનને પ્લાવિત કરે.
ઘડીમાં તેઓનું જનક-સુખ બ્હોળું બળી જશે, શિરશ્વત્રાભાવે ભવવિપિન માંહે ભટકશે; નહિ એ શું મારાં ? વળી નહિ હું એનો પણ રહ્યો? ખરે ! એ સંસારી સુખ-સમય પૂરો થઈ ગયો.
હવે તે શાંતિથી, વિમળ મનથી પ્રાપ્ત મરવું, હવે શાને માટે જડ જગતમાં ધ્યાન ધરવું ? હવે શાને માટે મરણ–પળથી લેશ ડરવું ? હવે શાને માટે પરમપદવૈમુખ્ય વરવું ?