<poem>
સંતાયેલાં શિશુ સકળને નેત્ર મીઠે નિહાળી, સંતાયેલા મુજ હ્રદયનો ભવ્ય રોમાંચ ભાળી; પત્રોથી ને કુસુમ ફૂલથી દેહ મારો દીપાવી, નિદ્રા લેતે સહજ સુખની શાંતિને શ્વાસ ખેંચી.
રે ! રે ! પેલી હૃદય રડતી શોક્ય એથી રીસાણી, રોતી રોતી પથ પિયરને સ્નેહ છોડી સિધાવી; એને અર્થે અમિત પણ હા! કંથ ઈચ્છે જવાને! ને દાઝેલું ઉર રીઝવવા રનેહથી શેાધવાને !
દૈવી વૃત્તિ નિરખી ન શકે દોષ કે રેાષ ક્યારે, સ્વીકારેલા જન-હૃદયને ના ત્યજે કોઈ કાળે; એ પ્રેમીના પુનિત પથમાં વિઘ્ન હું કેમ નાખું ! સારી ભૂડી પણ દયિતની એ નથી વલ્લભા શું !
ધીમે ધીમે પ્રણયરસિકે હાય ! પ્રસ્થાન કીધું, ને મુઝાતા મુજ હ્રદયને ચાંપીને ધૈર્ય દીધું; દૂરે દૂરે ગમન કરતાં દ્રષ્ટિસીમા વટાવી, ને હું રોતી ગઈ ભવનમાં દીર્ઘ નિઃશ્વાસ નાખી.
વ્હાલા કેરી અતિ ઉલટથી નિત્યે નિહાળું, આજે કાલે જરૂર વળશે, એ કમે કાળ કાઢું; ના ઈચ્છું કૈં સલિલધનથી પ્રાણને પોષવાને, ઈચ્છું એને કુશળ નિરખી અંતરે રાચવાને ૩૪૨