આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિવિધ સ્વપ્ન ઉરે રચતી જતી, વિચરતી નવ ભાવ જગાવતી.
પરંતુ કાળની ક્રીડા કોઈ જાણી શકે નહિ, અંધારે ખેલવું એનું વિશ્વ દેખી શકે નહિ.
તૃણ અનેક ગ્રહી કર રોકતાં, બળ થકી, છળથી અટકાવતાં, કદી સમીર સવેગ સતાવતો, ઈતર માર્ગ વિષે લઈ એ જતો.
વિઘ્નોની વૃષ્ટિઓ વેઠી તોય તે ચાલતી જતી, માર્ગનાં કષ્ટ જોવાને ના મતિ જાગતી હતી.
દયિતનું સ્થળ દૂર હજુ ઘણું, પળ પળે વધતું બળ વિઘ્નનું; નિકટ કોઈ સહાયક ના મળે, વચનનું પણ સાન્ત્વન ના જડે.
ક્યાં સુધી કાળની સામે રંક જીવ ટકી શકે ? ક્યાં સુધી દૈવની ભૂંડી દૃષ્ટિ સ્વાન્ત સહી શકે ?
હૃદયનું બળ સર્વ વહી ગયું, ચલન–યંત્ર અરે ! અટકી પડયું ! રસ-સુધાર્ણવ શુષ્ક થઈ ગયો, લલિત કોમલ દેહ બળી ગયો. ૩૫૪