પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
ભાવિ જીવનનું ભાન.


પણ ચલાયમાન થઈ નહિ. ભૂખ, તરસ અને ટાઢની અસર તેના શરીર ઉપર દેખાતી હતી, પણ તેના મન ઉપર તેની અસર જણાઈ નહિ. તેના ભવ્ય કપાળ ઉપર વૈરાગ્યનું તેજ પ્રસરી રહ્યું હતું. તેની આંખો જાણે કે બે તેજસ્વી સૂર્ય હાય તેમ એવી તો ઝળકી રહી હતી કે તેના પ્રકાશ આગળ જગતનો ઝળકાટ નહિવત લાગતો. તેનાં આંતરચક્ષુઓ આત્મજ્યોતિના ઉંચા પ્રદેશમાં ઉડી રહ્યાં હતાં.

જાગૃત અવસ્થામાં પણ આવાં સ્વપ્નો-આવાં દર્શનો તેને થઈ આવતાં. આવાં દર્શન-સ્વપ્ન આધ્યાત્મિક દશાની અમુક સ્થિતિ સૂચવે છે. આવું દર્શન-ઉદ્ભવતું ત્યારે નરેન્દ્ર ઘણાજ આનંદમાં આવી જતો અને સંસારી દશાને બંધન સમજતો. તેનું મન આ વેળાએ વિવિધ પ્રકારની અદ્ભુત સ્થિતિઓ અનુભવતું. કેટલીક વખત તેને પોતાનું શરીર સ્વપ્નના શરીર જેવું લાગતું. તે ઘણીવાર શરીરનું ભાન ભૂલી જતો અને કોઈ કોઈ વખત જાહેર બાગની અંદર ફરતાં પોતે આત્મા છે એ વિચારમાં તે એટલો બધો લીન થઈ જતા કે પોતાનું શરીર હયાતીમાં છે કે નહિ તેની ખાત્રી કરવાને પોતાનું માથું ઝાડ યા બીજી કોઈ વસ્તુ સાથે અફાળી ખાત્રી કરી લેતો ! પૂર્વ જન્મની ભાવનાઓ અને અનુભવો મનુષ્યના વર્તમાન જીવનમાં અનાયાસે જ દૃશ્યમાન થાય છે. કેટલાક મનુષ્યોને કેટલાક વિચારો અને ગુણો જન્મથીજ પ્રાપ્ત હોય છે. કેટલાક મનુષ્યો ઉપર અન્ય મનુષ્યોને સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન થાય છે, કેટલાંક સ્થળ કોઇને વગર જોયે પણ પરિચિત હોય એવો ભાસ થાય છે. નરેન્દ્રની બાબતમાં તેમજ હતું. કેટલાક આધ્યાત્મિક અનુભવો, ત્યાગીનું જીવન, તે જીવનની મહત્વાકાંક્ષાઓ, વિવેક, વૈરાગ્ય વગેરે જાણે કે તેણે પૂર્વ જન્મમાં સિદ્ધ કર્યાં હોય તેમ તેના વર્તમાન જીવનમાં સ્વાભાવિક દશાએ પહોંચેલાં માલમ પડતાં હતાં અને તેનું ભાવિ જીવન સુચવતાં હતાં.