પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હેતાં પાનાંને પાનાં ભરાઈ જાય.

શ્રી રામકૃષ્ણમાં અગાધ બુદ્ધિ અને અનુભવબળ છતાં માત્ર એક સાદા ભક્ત જેવાજ તે દેખાતા હતા. તેમનું ભાન નરેન્દ્રને ધીમે ધીમે થતું હતું. હાલના અંગ્રેજી ભણતરમાંથી પેદા થતી અશ્રદ્ધા, સંશયો અને કુતર્કોનો નરેન્દ્ર આબેહુબ નમુનો હતો. ત્યારે બીજી તરફ પ્રાચીન ગર્વ, આધ્યાત્મજ્ઞાન અને ઋષિઓના બુદ્ધિ પ્રાબલ્યની જીવતી મૂર્તિ શ્રી રામકૃષ્ણ હતા ! આધુનિક સમયનો નરેન્દ્ર ડગલે ડગલે શંકા કરતો અને પ્રાચીન સમયના શ્રીરામકૃષ્ણ તેમાં ક્ષણે ક્ષણે અપૂર્વ પ્રકાશ પાડી તેનો માર્ગ મોકળો કરતા. શ્રીરામકૃષ્ણ જેવા સમર્થ ગુરૂ પણ નરેન્દ્રના નાસ્તિક હૃદયને એકાએક આસ્તિક કરી શક્યા નહિ ! ક્ષણવાર નરેન્દ્રનું મન પીગળે પણ બીજી જ ક્ષણે તે પાછું ફરી જાય ! નાનીમાં નાની અને નજીવી બાબતોમાં પણ તે શંકા કરે ! દરેક હિંદુ વિચાર, હિંદુ આચાર ખોટાજ છે એમજ કહેવા લાગે ! જેમ વાંદરૂં એક ડાળેથી કુદે અને બીજે ડાળે જઈને બેસે તેમ નરેન્દ્રનું મન એક વિષયમાં પકડાય તો ઝટ લઈને તે બીજો વિષય ગ્રહણ કરી લે. એક તો મનુષ્યનું મન સ્વાભાવિક રીતે જ ચંચળ અને અસ્થિર હોય છે અને તેમાં વળી અંગ્રેજી વિદ્યાનો પાસ લાગ્યો; એટલે “મર્કટ ને વળી મદીરા પીએ, અખા એથી સૌકો બીએ.” એક કહેવત પ્રમાણે નરેન્દ્રનું મન દરેકે દરેક બાબતમાં અશ્રદ્ધાનોજ પોકાર કરી રહ્યું હતું. તેનું મન ઠેકાણે લાવતાં શ્રીરામકૃષ્ણને અથાગ શ્રમ લેવો પડતો અને અનેક યુક્તિઓ સમજાવવી પડતી હતી. શ્રીરામકૃષ્ણ કહેતા “સત્યને એક બાજુએથી નહિ, પણ બધી બાજુએથી તપાસી જો ! જ્ઞાની અને ભક્ત એકી વખતે થા અને સત્યને જો !”

નરેન્દ્ર વધારેને વધારે શંકાઓ કરવા લાગ્યો. અનેક ભક્તો ઉપર તે સખત ટીકાઓ ચલાવવા લાગ્યો. આમ ઘણા દિવસ ચાલ્યું.