પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આશા ભરેલા શબ્દોથી શ્રીરામકૃષ્ણ તેના માર્ગમાં જે ઉત્તેજન આપતા હતા તેમજ તેના પ્રત્યે જે અલૌકિક વહાલ દર્શાવતા હતા તેમાંથી નરેન્દ્ર ઘણુંજ બળ પામ્યો અને તેનામાં આત્મશ્રદ્ધા ખીલતી ચાલી. તે નિર્ભયતાના અભેદ્ય ખડક ઉપર ઉભો છે એવી તેને ખાત્રી થવા લાગી, પ્રથમ તર્ક વિતર્ક કરવામાં તેણે જે અગાધ બુદ્ધિ વાપરી હતી તે અગાધ બુદ્ધિનો ઉપયોગ હવે તે પોતાની આધ્યાત્મિકતાનો પાયો મજબુત કરવામાંજ કરવા લાગ્યો. તે હવે વિચારવંત બન્યો અને તોછડાઈને બદલે સહૃદયતાથી બોલવા લાગ્યો. તેનું ચિત્ત શાંત થયું અને ચિત્તની શાંતિને લીધે તે જે જે ભાવનાઓ કરતો તે ઘણીજ દૃઢ અને પ્રબળ બની ધારેલા ફળને ઘસડી લાવવા લાગી. અત્યાર સુધીમાં તે જે જુસ્સો બહાર દર્શાવતો હતો તે સઘળો જુસ્સો હવે અંતર્મુખ થઈને આત્માના પૂર્ણ વિકાસ તરફ વળતો ચાલ્યો. ટુંકામાં કહીએ તો હવે તેનું સઘળું ચારિત્ર્ય આધ્યાત્મિક રીતિએ બંધાતું હતું. તે હવે દૃઢ નિશ્ચયી થયો. ઉચ્ચતમ સિદ્ધાંતો તેના હૃદયમાં ઠસી રહ્યા. ઉંડી લાગણીઓથી તેનું મન ઉભરાઈ રહ્યું. તેનો અંતરાત્મા અનેક ઉર્મિઓથી ઉછળી રહ્યો. ઉચ્ચતમ આધ્યાત્મિક વિચારોએ તેના હૃદયને હલાવી મૂક્યું. વીસ બાવીસ વર્ષનો આ યુવક હવે પુખ્ત વયના મનુષ્યના જેવી જ્ઞાની ભક્તની દશા ભોગવવા લાગ્યો.

શ્રી રામકૃષ્ણ પોતાના સઘળા શિષ્યોને જે શિક્ષણ આપતા તેમાંથી દરેક પોતપોતાની બુદ્ધિ પ્રમાણેજ ગ્રહણ કરી શકતા. નરેન્દ્રનાં અગાધ બુદ્ધિ, વિશાળ હૃદય અને બહુશ્રત તથા તળસ્પર્શી અંતઃકરણ શ્રી રામકૃષ્ણના બોધને ખૂબ કસોટીપર ચડાવતાં અને તેનો રહસ્યાર્થ સમજતાં. તેનો બળવાન અંતરાત્મા શ્રીરામકૃષ્ણના આધ્યામિક ચેતન જોડે એકતાન થઈ રહ્યો હતો અને તેથી કરીને શ્રી રામકૃષ્ણના ઉપદેશ અને જીવનની પોથીનાં પાનાંને પાનાં તે સરલતાથી