પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
અભ્યાસી જીવન.


વાંચી શકતો; ત્યારે બીજાઓ તેમાંનાં થોડાં વાક્ય કે પાનાં વાંચવાને પણ કઠિનાઈથીજ શક્તિવાન થતા. નરેન્દ્રના અંતકરણમાં ખાતી વખતે, અભ્યાસ કરતી વખતે, શારીરિક ક્રિયા કરતી વખતે અને સ્વપ્નામાં પણ શ્રી રામકૃષ્ણના જ વિચારો રમી રહેતા.

શ્રી રામકૃષ્ણનું સમસ્ત જીવન અને બોધ આધ્યામિક ચેતન, વેદાન્તનાં અગાધ સત્ય અને ઉપનિષદોના ગુહ્ય સિદ્ધાંતોની સત્યતા અને ઉપયોગિતા દર્શાવનાર અને તેને સાબીત કરનાર એક ભવ્ય નમુનોજ હતું. તેમનું ચારિત્ર્ય હિંદુધર્મના રહસ્યરૂપ હતું. તે જીવન કોઈ અમુક પંથ, ધર્મ કે સમાજના સિદ્ધાંતો દર્શાવી રહ્યું નહોતું; પણ આત્માનાં નિત્ય અને સર્વ સામાન્ય સત્ય કે જે ઉપનિષદોમાં અહીં તહીં સ્થળે સ્થળે નજરે પડે છે અને જે આર્ય પ્રજાનો પરાપૂર્વથી ચાલતો આવતો એક મહાન ખજાનો છે તેમને–મહાન નિત્ય સત્યને તે દર્શાવી રહ્યું હતું ! ઉપર ઉપરથી જોનારને હિંદુધર્મ અમુક ધાર્મિક ક્રિયાઓ અને કથાઓમાંજ સમાઈ રહેલો ભાસે છે, પણ જ્યારે અદ્વૈતવાદના ભવ્ય સિદ્ધાંતોદ્વારા હિંદુધર્મનાં તત્વોનો બારીક અભ્યાસ કરવામાં આવે છે ત્યારે સમજાય છે કે હિંદુધર્મની ઈમારત અદ્વૈતવાદ જેવા એક અજેય અને અનુપમ વાદના મજબુત પાયા ઉપર રચાયેલી છે. તેની ધાર્મિક ક્રિયાઓ અને પૌરાણિક કથાઓ જુદા જુદા અધિકારવાળાં મનુષ્યને ધીમે ધીમે પરમ સત્યના દ્વાર તરફ લઈ જવાના ભિન્ન ભિન્ન માર્ગો છે. આ ક્રિયાઓ અને કથાઓની પાછળ તેમના રહસ્યરૂપે આધ્યાત્મિક સત્ય રહેલાં છે. પુરાણોમાં કહેલો ઈશ્વર સચ્ચિદાનંદરૂ૫ પરમાત્માનું સગુણ સ્વરૂપ છે અને તેમાં જણાવેલી ધાર્મિક ક્રિયાઓ પરબ્રહ્મ તરફ ચિત્તને એકાગ્ર કરાવનારાં સાધનો છે. આવા એકમાં અનેકરૂપે ભાસતા હિંદુધર્મની જાણે કે હાલતી ચાલતી જીવંત મૂર્તિ હોય તેવું શ્રી રામકૃષ્ણનું જીવન હતું.