પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


નરેન્દ્ર જ્યારે બ્રહ્મોસમાજના સભાસદ થયો ત્યારે હિંદુધર્મ તરફ તેને અશ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. એ વખતે નરેન્દ્રે હિંદુધર્મનો બરાબર અભ્યાસ કર્યો નહોતો. જે મહાન તાત્વિક સત્ય ઉપર હિંદુધર્મની ઇમારત ચણાયેલી છે તે સત્ય તેણે એ સમયે બરાબર સાંભળ્યાં પણ નહોતાં. તે વખતે તેની ઉમર નાની હતી અને અસંખ્ય વર્ષથી ચાલતા આવતા ઘણા જુના, અનેક કાળના અનુભવોથી ભરેલો અને અનેક મહાસમર્થ અને બુદ્ધિશાળી ઋષિમુનિઓની અગાધ બુદ્ધિથી રચાયલો, ઘડાયલો, વિકાસને પામેલો જે સનાતન હિંદુધર્મ તે તેની સંકુચિત દૃષ્ટિ અને બીન અનુભવી ટુંકી બુદ્ધિમાં શી રીતે આવી શકે ?

એ સમયે પાશ્ચાત્ય વિદ્યા અને બ્રહ્મોસમાજના સિદ્ધાંતો તેને ઠીક લાગ્યાં તેનું એ પણ કારણ કે તેની અંગ્રેજી વિદ્યાથી કેળવાયલી બુદ્ધિને તે અનુકુળ થતાં, બ્રહ્મોસમાજ ઈશ્વરને માનતી તેથી નરેન્દ્ર પણ ઈશ્વરને માનતો; પણ અદ્વૈતવાદમાં દર્શાવેલા સર્વ વ્યાપી બ્રહ્મનું અસ્તિત્વ તેની કુણ્ઠિત બુદ્ધિથી સમજાઈ શકાતું નહોતું. શ્રીરામકૃષ્ણ પરમહંસની પાસે આવવા માંડ્યા પછીજ હિંદુધર્મનું ખરું સ્વરૂપ તેની નજરે પડવા માંડ્યું. આ સ્વરૂપ બાલ્યાવસ્થામાં પોતાના કુટુંબની ધાર્મિક ક્રિયાઓમાં તે નિહાળતો ખરો, પણ તે વખતે તે જે કાંઈ જોતો તે સઘળું એક બાળક તરીકેજ જોતો અને એક બાળકના સાદા ભોળા ભાવથીજ તે સઘળું ગ્રહણ કરતો. તેનામાં હજી સમજ શક્તિ આવી નહોતી અને જેમ જેમ શક્તિ આવતી ગઈ તેમ તેમ તેનામાં સંશયો પ્રવેશ કરતા ગયા. શ્રી રામકૃષ્ણની સંનિધિમાં તેની આધ્યાત્મિક બુદ્ધિ પરિપક્વતાએ પહોંચી અને જે ધાર્મિક સત્યો તેણે બાલ્યાવસ્થામાં માત્ર સાદા ભોળા ભાવથી અને અંધશ્રદ્ધાથી કુટુંબની ધાર્મિક રહેણી કરણીને અનુસરીનેજ ગ્રહ્યાં હતાં તેનાં તેજ સત્ય પરિપકવ બુદ્ધિ અને ઉંડી સમજથી તે હવે ગ્રહણ કરવા લાગ્યો. બાલ્યાવસ્થામાં