પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૩

આ પ્રમાણે યથાપ્રારબ્ધ પ્રવૃત્તિ કે નિવૃત્તિને અને સુખ દુઃખને ભોગવી રહેલા જીવનમુક્તોના કરવા ભોગવવામાં; અને અન્ય (અનાત્મામાં આત્મબુધ્ધિવાળા) સામાન્ય મનુષ્યોના કરવા ભોગવવામાં ફેર આસમાન અને જમીનના જેટલો હોય છે. અનેક પ્રકારની બાહ્ય સંપત્તિઓના ઢગ વચ્ચે રહ્યા કરનાર ચક્રવર્તિ કરતાં પણ એક નગ્ન અથવા તો દુઃખમાં સબડી રહેલો જીવનમુક્ત*[૧]પોતાની જાતને વ્યાજબી રીતે અનંતગણી ભાગ્યશાળી માને છે. કારણ કે તેનું વર્તમાન શરીર હવે છેલ્લીવારનું જ હોઈને તે છુટી ગયેથી (છેવટનો શાન્ત થએલો તરંગ જેમ સદાને માટે સમુદ્રજ બની રહે છે તેમ) સદાને માટે તે સચ્ચિદાનંદજ બની રહેનાર છે; ત્યારે અનાત્માસક્ત સમ્રાટને તો હજી આ ભવચક્રમાં ભટક્યા કરી અનંતવાર મરવા-જન્મવાનું અને કરવા-ભોગવવાનું રહેલું હોય છે. આખા સંસારની સ્થૂલ સત્તા–સંપત્તિ ચરણમાં લોટવા છતાં પણ તેને કોઈને કોઈ પ્રકારની ઉંડી ઉંણપ અને કર્તવ્ય પ્રાપ્તવ્યતા રહેવાનીજ.

આટલા માટેજ અનાત્મ પ્રેમીઓને ઋષિમુનીઓ બૂલંદ અવાજે કહી રહ્યા છે કેઃ- “उत्तिश्ठ जागृत पाप्य वरान्निबोधतः।” અર્થાત્ હે અહંતા મમતાનાં મિથ્યા સ્વપ્નોમાં પડી તેની મિથ્યા વસ્તુસ્થિતિઓના રાગ દ્વેષથી દુઃખી થઈ રહેલા પ્રાણી ! ઉઠ, જાગ્રત


  1. * વચનસિદ્ધિના, મનકામના પુરવાના, વગેરે ચમત્કારો કરી શકે એવાનેજ મુક્તાત્મા સમજ્યા કરીને ઘણા લોકોતેવા લક્ષણવાળા મુક્તામાની અને તેમનાદ્વારા આત્મ લાભ કે ધન પુત્રાદિનો લાભ મેળવવાની શોધમાં હોય છે; પણ છેવટે તેઓ ઉલટા ઢોંગી ધૂર્તોથી ઠગાય છેજ. કારણ કે આ ચમત્કારોની વિદ્યાને તો મોક્ષ માર્ગના આરંભમાંજ બાધક અને નિષિદ્ધ સમજી લઇને સાચો સાધક તેનાથી દૂરજ રહેલો હોય છે. એ વિદ્યાનો ઉપયોગ અનાત્મ વસ્તુસ્થિતિઓને ખાતર તેમજ સર્વજ્ઞ વિશ્વ નિયંતાની વિરૂદ્ધમાંજ વધારે થવાનો સંભવ છે.