પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તે સત્યના અધ્યયનથીજ સઘળી પ્રજાઓ એક બીજાની સાથે હસ્તમેળાપ કરશે, ટૂંકામાં વેદાન્ત ધર્મજ સમસ્ત જગતનું આદર્શ થવાને યોગ્ય છે, એમ નરેન્દ્રનું દૃઢપણે માનવું થયું અને હિંદુ ધર્મ અને ભારતવર્ષ વિષે અત્યંત પ્રેમની લાગણીઓથી તેનું હૃદય ઉછાળા મારી રહ્યું.

જ્યારે પહેલીજવાર શ્રી રામકૃષ્ણ નરેન્દ્રને “अहं ब्रह्मास्मि” નો અર્થ સમજાવવા માંડ્યા ત્યારે નરેન્દ્ર બોલી ઉઠ્યો હતા કે “હું પ્રભુ છું, શિવ છું,” એમ કહેવું એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે ! શ્રીરામકૃષ્ણે જ્યારે તેને કહ્યું કે આપણો આત્મા અને પરમાત્મા એકજ છે, ત્યારે નરેન્દ્ર કેવળ સ્તબ્ધજ બની ગયો હતો અને તે કહેવા લાગ્યો હતો કે “એમ હોયજ નહિ ! એ ખોટું છે !”

પરંતુ આ વિષયમાં શ્રીરામકૃષ્ણનું જીવંત દૃષ્ટાંત નરેન્દ્ર માટે અતિશય ઉપકારક થઈ પડ્યું હતું. આત્મા અને પરમાત્માની એકતા વિષે વાત કરતાં શ્રીરામકૃષ્ણ કોઈ કોઈવાર નિર્વિકલ્પ સમાધિમાં આવી જઈ આ પરમ સત્યની સત્યતાનો અનુભવ પોતાનાજ દાખલાથી પ્રત્યક્ષ કરાવતા. સવિકલ્પ-ભાવસમાધિમાં આવતા એ વેળાએ તે બ્રહ્માનંદઆત્માનંદમાં ડૂબતા અને નિર્વિકલ્પ દશામાં આવતાં તે શરીરનું સઘળું ભાન ભૂલી જઈને માત્ર સત્-ચિત્-આનંદની મૂર્તિ રૂપેજ તે સર્વને ભાસતા.

શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને બ્રહ્મનું ખરું સ્વરૂપ સમજાવનાર શાસ્ત્રોનું અધ્યયન કરવાનું કહ્યું હતું ત્યારે નરેન્દ્રે તે વાંચવાની ના પાડી હતી. પરંતુ પરમકૃપાળુ અને ધીરજવાન શ્રીરામકૃષ્ણ તેને ધીમે રહીને કહ્યું કે “તું મને તો વાંચી સંભળાવીશને? ભલે, તું તેમાં ધ્યાન આપતો નહિ !” ત્યારેજ નરેન્દ્રે તેમ કરવાની હા પાડી હતી. ઘણી વખત આવી યુક્તિઓ શ્રીરામકૃષ્ણે રચી હતી અને ઘણી વખત નરેન્દ્ર આમ પોતાની