પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેની અંદર એક પ્રકારનું અદ્ભુત શાંત તેજ ઝળકી રહ્યું હતું. તેનાં વિશાળ નેત્રો, તેની દીર્ઘદૃષ્ટિ અને સૂક્ષ્મ બુદ્ધિ દર્શાવતાં હતાં. એક પ્રકારની કોમળતા તેમાં જણાતી. ક્વચિત તે નેત્રો એકી નજરે જોઈ રહેતાં. ક્વચિત તે વધારે પ્રકાશિત બની જતાં અને દૃષ્ટાની ચંચળ બુદ્ધિ અવલોકન શક્તિ અને તીવ્ર લાગણીઓનું ભાન કરાવતાં.

નરેન્દ્રના સમાગમમાં આવનાર મનુષ્ય પ્રથમ તેનાં અલૌકિક નેત્રોથી અંજાતો અને જાણે કે નરેન્દ્ર તેના અંતરાત્મામાં ઉંડે પેશી તેના મનના વિચાર જાણી જતો હોય તેમ સામા માણસને ભાસ થઈ જતો ! તેનાં નેત્રોથી તેના આખા મુખની કાન્તિ દીપી ઉઠતી. હમેશાં તે ખરા અંતઃકરણથી બોલતો અને બોલતો ત્યારે આસપાસનું ભાન ભુલી જઇને કથનના વિષયમાંજ ગરક થઈ જતો. જંગલમાં વસનાર સિંહ જેમ અત્યંત સ્વતંત્રતા ભોગવે છે, અને છુટથી અહીં તહીં ફરે છે, તેમ નરેન્દ્ર અત્યંત માનસિક સ્વતંત્રતા ભોગવતો અને તેના બાહ્ય દેખાવમાં સિંહના જેવું સુંદર, ભવ્ય અને સ્વતંત્ર ચલન દેખાઈ આવતું. કોઈપણ પ્રકારની નિર્બળતા, નિષ્ફળતા, નિરાશા કે અસ્થિરતાને તે હશી કહાડતો અને તેમને સ્થાને નૈતિક ધૈર્ય, ઉત્સાહ, આશા અને સ્થિરતા તે દર્શાવતો. તેના માનસિક બળને લીધે તેનામાં એક પ્રકારનું અદ્ભુત શારીરિક બળ આવ્યું હતું અને તેથી કરીને તેનો બાંધો મજબુત અને ભવ્ય દેખાતો હતો. તે ચાલતો ત્યારે છાતી બહાર નીકળી આવતી અને ટટાર, સિધ્ધો તથા જુસ્સાદાર જણાતો. આ પ્રમાણે નરેન્દ્રનું મુખ, તેનું લલાટ, નેત્ર, આખું શરીર, તેના અગાધ ચારિત્રનું પ્રતિબિંબ બની રહ્યાં હતાં.

સામાન્ય મનુષ્યની દૃષ્ટિએ નરેન્દ્ર એક બળવાન, જુસ્સાદાર અને સંસાર તરફ બેદરકાર જેવો દેખાતો હતો; પણ જરાક બારિકીથી તપાસનાર મનુષ્યને સમજાતું હતું કે તે ઘણીજ લાગણીવાળો