પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
દીલ્લી અને અલવર.


તત્ત્વજ્ઞાનને સમજી શકે નહીં એવા અંગ્રેજો ભારતવર્ષનો ખરો ઇતિહાસ શી રીતે લખી શકે? આપણા ઇતિહાસ વિષે આપણે શોધખોળ કેવી રીતે કરવી તે આપણને યુરોપિયનોએ શિખવ્યું છે. હવે આ બાબતમાં આપણે સ્વતંત્રપણે કામ કરવાનું છે. વેદ, પુરાણ અને પ્રાચીન હિંદનાં ઐતિહાસિક વર્ણનનો અભ્યાસ કરી અને તે ઉપરથી ભારત વર્ષનો ખરો, સહાનુભૂતિદર્શક અને હૃદયભેદક ઇતિહાસ લખો. શિવાજીના જીવનનો અભ્યાસ કરો અને તમને સમજાશે કે તે યુરોપિયનો લખે છે તેમ એક લુંટારો નહોતો, પણ એક પ્રજાનું બંધારણ બાંધનારો મહાપુરૂષ હતો. યુરોપિયન કૃત ઇતિહાસોથી આપણે દોરવાઈ જવું ન જોઈએ. જેને તે સમજી શકતા નથી એવા આપણા પ્રાચીન શિક્ષણને માટે તેમને શું ભાન હોય ? વૈદિક કાળથી તે બુદ્ધ પછીનાં ૭ હજારવર્ષો સુધીનો એકત્ર ઇતિહાસ આપણી પાસે નથી. અલબત, હવે આ બાબતમાં નવીનજ પ્રયાસ શરૂ થવા માંડ્યા છે; પણ હિંદુઓએ જ પોતાનો ઇતિહાસ લખવો જોઈએ. આજ ખરું પ્રજાકીય શિક્ષણ છે અને તેની સાથેજ પ્રજાત્વનું ખરું ભાન આવી રહેશે.”

આ પ્રમાણે યુવાનોને શિખવતા, બોધ આપતા અને તેમનું ચારિત્ર્ય ઘડતા સ્વામીજી કેટલાક દિવસ અહીં રહ્યા. અહિં ઘણા પુરૂષો તેમના શિષ્ય થયા હતા. નાના મોટા સૌ એમને ચ્હાતા અને દિવસનો થોડોક સમય પણ તેમની પાસે ગાળતા.

સ્વામીજી અલવર છોડીને ગયા ત્યારે અનેક માણસો પગે ચાલતા ચાલતા પચાસ સાઠ માઇલ સુધી તેમને વળાવવાને માટે ગયા હતા.

અલવરથી સ્વામીજી પગ રસ્તે ખેત્રી ગયા. સાઠ માઈલ સુધી તેમના શિષ્યો તેમની સાથે સાથે આવ્યા. રસ્તામાં મુકામ દેવસ્થાનવાળાં સ્થળોમાંજ થતો.