પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ધાર્મિક ક્રિયાઓ કરવાનું બતાવ્યું. પણ તે ક્રિયાઓ એ કરે નહીં અને પ્રભુકૃપા કેમ થાય તેજ પુછ્યા કરે ! સ્વામીજી તેનાથી કંટાળ્યા અને એક દિવસ તેને આવતો જોઈ મૌન ધારણ કરી રહ્યા. તે વૃદ્ધે ઘણાએ પ્રશ્ન પુછ્યા, પણ સ્વામીજીએ એકનો પણ ઉત્તર આપ્યો નહીં. અંતે તે કંટાળ્યો અને ચાલતો થયો. તેના ગયા પછી સ્વામીજી ખડખડ હસી પડ્યા. બીજાઓ પણ હસવા લાગ્યા. એક યુવાન તેમને પૂછવા લાગ્યો “ મહારાજ, તે વૃદ્ધ માણસ તરફ તમે એટલા નિર્દય કેમ થયા ?” સ્વામીજી સઘળા યુવાનો તરફ જોઈને બોલ્યા “તમો યુવાનોને માટે હું મારા પ્રાણનો પણ ત્યાગ કરવાને માટે તૈયાર છું; કેમકે હું જે કહીશ તે પ્રમાણે કરવાને તમે તૈયાર છો અને તમારામાં શક્તિ પણ છે; પરંતુ આ ડોસાએ પોતાની લગભગ આખી જીંદગી મોજશોખમાં ગાળી અને જ્યારે હવે તે વ્યવહારિક કે ધાર્મિક, કોઈ પણ કાર્ય કરવાને માટે અશક્ત છે ત્યારે પ્રભુકૃપાને ઇચ્છે છે ! પ્રભુકૃપા કંઈ વિના પ્રયાસ થાય છે ? સત્યને શોધવાને માટે અને પાલન કરવા માટે પુરૂષાર્થ કરવું જોઈએ. પુરૂષાર્થ રહિત મનુષ્ય ઉપર ઈશ્વરકૃપા શી રીતે થાય ?”

સ્વામીજીના બોધથી ઘણા યુવાનો સંસ્કૃતનો અભ્યાસ કરવા લાગ્યા. સ્વામીજી જાતે પણ તેમને કેટલીક વખત શિખવતા. શિખવતે શિખવતે તેમને તે બોધ આપતા કે “સંસ્કૃતનો અભ્યાસ કરો અને સાથે સાથે પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્રનો પણ અભ્યાસ કરો. દરેક બાબતમાં વ્યવસ્થિતપણું શિખો. અભ્યાસ કરો અને કાર્ય કરો કે જેથી કરીને તમે આપણી માતૃભૂમિના ઇતિહાસને વ્યવસ્થિતપણે ગોઠવી શકો. આપણી ભૂમિનો ઇતિહાસ અંગ્રેજ લોકોએ લખ્યો છે પણ તે આપણાં હૃદયને દુર્બલ બનાવે છે, કારણકે તેમાં ઘણું ખરૂં આપણી પડતીનોજ ચિતાર આવે છે. આપણી રીતભાત, રિવાજો, ધર્મ કે