પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એવું સાધન વિચારવાને તેમનું હૃદય અનેક પ્રયાસો કરી રહ્યું હતું. પ્રાચીન શાસ્ત્રકારોએ દર્શાવેલા માર્ગે દરેક હિંદુ રાજા પોતાનું રાજ્ય ચલાવે એમ તેમની પ્રબળ ઈચ્છા હતી. અધિકારીઓને તેમની જવાબદારીનું તે પુરેપુરું ભાન કરાવતા અને પ્રજાના દ્રવ્યના પાલક અને તેના કલ્યાણના સાધક તેઓ છે એમ તેમના મનમાં ઠસાવતા. જે જે રાજ્યમાં તે ગયા છે તે તે રાજ્યના દિવાનને સ્વામીજીએ પ્રજાની ઉત્પાદક શક્તિ વધારવાની જરૂરીયાત સમજાવી છે, આર્યોની રાજ્યપદ્ધતિ બતાવી છે અને જનસમૂહની સ્થિતિ સુધારવાની આવશ્યકતા દર્શાવી છે.

ભુજથી તે પ્રભાસપાટણ ગયા અને ત્યાંથી પોરબંદર ગયા. અહીંઆં તે રાજાના અતિથિ તરીકે રહ્યા. તેમના એક ગુરૂભાઈ સ્વામી ત્રિગુણાતીત તેમને ખોળતા ખોળતા અહીં આવી પહોંચ્યા. પણ સ્વામીજીએ તેમને ઠપકો આપ્યો અને તેમની પાસે ફરીથી નહિ આવવાનું કહ્યું. સ્વામીજી સદા એકાન્તવાસ અને ગુરૂભાઈઓથી દૂર રહેવાનું વધારે પસંદ કરતા હતા.

પોરબંદરના દરબારમાં શંકર પાંડુરંગ નામનો એક પંડિત હતો. વેદોનું ભાષાંતર કરવાનું કાર્ય તે કરતો હતો. તેણે સ્વામીજીને તે કાર્યમાં મદદ કરવાની અરજ કરી. સ્વામીજીએ હા પાડી અને બંને જણ ઘણા ઉલ્લાસથી ભાષાંતર કરવા લાગ્યા. અહીંઆં સ્વામીજીએ પતંજલિના મહાભાષ્યનું અધ્યયન પુરું કર્યું. તે પછી પંડિતની સલાહથી તેમણે ફ્રેંચ ભાષાનો અભ્યાસ શરૂ કર્યો. સ્વામીજીમાં અસાધારણ બુદ્ધિ અને ઉંડા જ્ઞાનનો પરિચય થવાથી પંડિત શંકર પાંડુરંગ તેમને એક દિવસ કહેવા લાગ્યા : “સ્વામીજી, મને લાગે છે કે તમે આ દેશમાં કંઈ વધારે કરી શકશો નહિ. થોડાકજ તમારા કાર્યની કદર કરી શકશે. તમે પાશ્ચાત્ય દેશોમાં જાઓ, ત્યાં લોકો તમારૂં કહેવું સમજી