પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


લાગ્યા. હિંદુ પ્રજાનો ખરો જુસ્સો તેમનામાં રહેલો છે એમ તે ગણવા લાગ્યા.

સ્વામીજી તરફ મહારાજ સાહેબનો એટલો બધો પૂજ્યભાવ થઈ રહ્યો કે તેમણે પાદપૂજા માટે સ્વામીજીને અરજ કરી; પરંતુ સ્વામીજીએ તેની ના પાડી. રાજાજીએ કેટલીક ભેટોનો સ્વીકાર કરવાની અરજ કરી, તે પણ તેમણે લીધી નહિ. અંતે મહારાજાનો ઘણોજ આગ્રહ હોવાથી સ્વામીજીએ તેમાંથી એક નાની જેવી ચીજનો સ્વીકાર કર્યો. યાદગીરી માટે સ્વામીજીનાં કેટલાંક સુંદર હૃદયભેદક વાક્યો ફોનોગ્રાફમાં ઉતારી લેવામાં આવ્યાં. તે વાક્યોની પ્લેટ માઇસોર દરબારમાં જાળવી રાખવામાં આવેલી છે. ઘણા દિવસ થવાથી હવે સ્વામીજીએ જવાની રજા લીધી. જતી વખતે મહારાજા તેમને પગે પડ્યા. દિવાને કેટલીક નોટો તેમના ખીસ્સામાં મૂકી દેવાનો પ્રયાસ કર્યો. સ્વામીજીએ કહ્યું કે “કોચીન સુધીની ટીકીટ મને લઈ આપો, એટલે બસ ! મારે રામેશ્વર જવું છે, પણ થોડા દિવસ હું કોચીનમાં ગાળીશ. દિવાન સાહેબે નિરાશ થઇને સેકન્ડ ક્લાસની ટીકિટ તેમને લઈ આપી.

કોચીનમાં થોડાક દિવસ રહ્યા પછી સ્વામીજી ત્રીવેંદ્રમ ગયા. અહીંઆં તેમને ત્રાવણકોરના મહારાજાના શિક્ષક પ્રોફેસર સુંદરરામ આયર અને સાયન્સના પ્રોફેસર રંગાચારીઅર મળ્યા. તેમની એ મુલાકાત વિષે એસ. કે. નેર લખે છે કે;

“આ બંને સદ્‌ગૃહસ્થો અંગ્રેજી અને સંસ્કૃતના ઉંડા અભ્યાસી હતા અને તેથી કરીને સ્વામીજી જોડે વાત કરતાં તેમને અત્યંત આનંદ અને લાભ મળ્યો. જે કોઈ સ્વામીજીને મળે તે તેમના ભવ્ય ચ્હેરા અને ચારિત્ર્યથી અંજાઈ જતું. એક પછી એક ગમે તેટલા માણસોને તેમના પ્રશ્નોના જવાબ આપવાની સ્વામીજીનામાં અજબ