પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વખાણ કરી રહ્યા. રામેશ્વરમાં તેમણે હિંદુ જીવનની અગાધતા અને વિશાળતાનું બારીક નિરીક્ષણ કર્યું. તેમણે જોયું કે ભારતવર્ષના સઘળા દેવો હિંદુઓનાં જુદાં જુદાં આદર્શો દર્શાવે છે અને તે આદર્શો એકજ પ્રભુનાં જુદાં જુદાં સ્વરૂપ અને આધ્યાત્મિક સત્યોનાં સ્થૂલ સ્વરૂપો છે. અસંખ્ય યાત્રાળુઓનાં ટોળે ટોળાં જોઇને તેમને વિચાર આવ્યો કે ખરેખર તેઓ એક અગાધ અને નિત્ય જીવનતત્ત્વ તરફ પોતાનાં મનને દોરી રહેલા છે. રામેશ્વરથી સ્વામીજી કન્યાકુમારી ગયા.

કન્યાકુમારીના દેવાલયમાં દેવીની મૂર્તિ આગળ જઈને તેમણે સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. આ વખતે તેમના મનમાં અનેક વિચારો ઉત્પન્ન થઈ રહ્યા; અનેક લાગણીઓએ તેમના મનમાં વાસ કર્યો. દેવી તરફ ભક્તિભાવથી તેમનું હૃદય દ્રવીભૂત થઈ રહ્યું. તેમની આસપાસ સર્વત્ર અગાધ સમુદ્ર આવી રહેલો હતો અને તેમાં તોફાન મચી રહેલું હતું; પણ સ્વામીજીના અંતઃકરણમાં તેથી પણ વધારે તોફાન ચાલી રહેલું હતું. સ્વામીજી ભારતવર્ષને છેડે આવેલા આ સ્થાનમાં એક શિલા ઉપર બેઠા અને માતૃભૂમિના આધુનિક તથા ભાવી સમયના અનેક પ્રશ્નો ઉપર ઉંડો વિચાર કરી રહ્યા. ત્યાં બેઠે બેઠે તે ભારતવર્ષ ઉપર દૃષ્ટિ નાંખી રહ્યા, ઘડીકમાં તેમના મુખ ઉપર નિરાશાની ગ્લાનિ દેખાઈ આવતી, ઘડીકમાં તેમનું હૃદય ઉંડા વિચારમાં ગ્રસ્ત થઈ ગયેલું જણાતું. સમસ્ત ભારતવર્ષ તેમના વિચારનો વિષય હતો. એક મોટા સુધારક અને વ્યવસ્થાપક તરીકે તેઓ તેનો વિચાર કરી રહ્યા હતા. પ્રજાનું બંધારણ બાંધવાને અવતરેલા એક મહાબુદ્ધિશાળી નેતાના વિચારો તેમના મનમાં ચાલી રહ્યા હતા. તે વિચારો વ્યાસ કે મનુના જેવા હતા; શ્રી શંકરાચાર્ય અને બુદ્ધની ભાવનાઓથી તે અલંકૃત હતા; શ્રીકૃષ્ણ અને ચૈતન્યદેવના અમૂલ્ય બોધથી તે ભરેલા હતા. ભારતવર્ષનો