પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૫


છતાં જનસમાજ ગાડરીયા પ્રવાહે વહી એકને નિંદતો અને બીજાને વંદતો; પરંતુ બીજી તરફ બંને સંન્યાસીઓ પણ કોઈ ઓરજ કોટીના હોવાથી તેઓને તે વાતનું કશું દુઃખ કે અભિમાન થતું નહિ. આવા ગાડરીઆ પ્રવાહના માનાપમાન વિષે એક મહાત્મા કહે છે કે:―

नारायण तुं कर्म कर, कहा करेंगे कूर;
स्तुति निंदा जगतकी, दोनों के शिर धूर.

આમ સમજીને લોકોના કુવ્યવહારથી સ્વામી દયાનંદજીની દયાળુતા ઉલટી વધી જઈને તેમની જનસેવામાં જોશ પુરતી; તો વિવેકાનંદજીમાં લોકસત્કાર તેમનામાં નમ્રતા અને વાત્સલ્ય વધારી ઉત્તેજના આપતા. વળી સ્વામી વિવેકાનંદજીને પણ અમેરિકામાં પાદરીઓ વગેરે તરફથી ખમવુંજ પડ્યું હતું, સો મૂર્ખના સત્કાર કરતાં એક સમજુનો સત્કાર જે વિશેષ અગત્ય ધરાવે છે તેવો સત્કાર પણ આ બંને વ્યક્તિઓને અનેક મોટા મોટા વિચારકો, પુરૂષાર્થીઓ, અગ્રેસરો અને રાજા મહારાજાઓ વગેરે તરફથી પ્રાપ્તજ હતો. સ્વામી દયાનંદજીને બ્લેટસ્કી બાઈના સમયમાં, તો સ્વામી વિવેકાનંદજીને બિસેન્ટ બાઈના સમયમાં થીઓસોફીકલ સંસ્થા તરફ આકર્ષવામાં આવ્યા હતા; પરંતુ આર્યધર્મના આદરરૂપ અને ઋષિમુનિના અવતાર જેવા આ બન્ને મહાત્માઓ ઇંદ્રાસનથી પણ ચળે એવા નહિ, ત્યાં આ ગૌર જાળમાં તો આવેજ ક્યાંથી ? ગૌર પાદરીઓના કાન પકડાવવાને અને ગૌર વિદ્વાનો અને વિદુષીઓનાં શિર ઝુકાવવાને સ્રજાયેલા આવા અસામાન્ય આત્માઓ માર્જરીના સપાટામાં સિંહ આવી શકે તોજ એવાં આકર્ષણોમાં આવી શકે !

આ લખનાર કાંઈ આર્ય સમાજના મેમ્બર નથી; સ્વામી વિવેકાનંદજીનું જીવનચરિત્ર રજુ કરતી વખતે તેમની અગાઉ એક મહાન સંન્યાસી તરિકે સ્વામી દયાનંદ સરસ્વતીએ જે અસામાન્ય લોકસેવા બજાવીને ભૂમિકા તૈયાર કરી હતી, તે વાત વાંચકોના લક્ષ બહાર રહી જાય નહિ એટલા માટે તે વિષે અહીં આટલો ઉલ્લેખ આવશ્યક હતો.