પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૯


તે પ્રદેશમાં તેમણે ફરકાવ્યો હતો. અમેરિકામાં કરેલા વેદાન્તના બોધની ફતેહથી અને પોતાના ચારિત્ર્યના દાખલાથી સમસ્ત હિંદુ પ્રજાને તેમણે દૃષ્ટાંતથી દર્શાવી આપ્યું હતુ કે વિશ્વની સઘળી પ્રજાઓમાં શ્રેષ્ઠ અને માનનીય પદવી મેળવીને તેઓના શિક્ષકો થવાને હિંદવાસીઓને પુરેપુરી તક અને સાધન છે. વેદાન્તનાં તત્ત્વોને પોતાના જીવનમાં રગે રગે તેમણે ઉતાર્યાં હતાં અને તેમનું આખું જીવન વેદાન્તમયજ બની રહ્યું હતું. ધાર્મિક શિક્ષક તરિકે તેમણે વેદાન્તનો બોધ આપી બીજા પણ અનેક પ્રયાસ કર્યા હતા. અશિક્ષિતને શિક્ષણ, નિરાધારને આધાર, ભુખ્યાને અન્ન, નગ્નને વસ્ત્ર, અનાથને મદદ, રોગીને ઔષધ, અજ્ઞાનીને જ્ઞાન, એમ અનેક પ્રકારે જનસમૂહની સેવા બજાવી, “अहं तेषु ते च मयि” એ ભગવદ્ ગીતાના મહાન સિદ્ધાંત પ્રમાણેજ તમામ જીવન ગાળ્યું હતું. એક બાજુએથી જોતાં આર્યમુનિઓની માફક તેમનું જીવન સાદુ', પવિત્ર, વૈરાગ્યશીલ અને ધ્યાનપરાયણ હતું; અને બીજી બાજુએથી જોતાં તે પાશ્ચાત્ય સાધુઓની માફક સદ્પ્રવૃત્તિમય, પરોપકારપરાયણ, સ્વદેશભક્ત અને માનવજાતિની સેવામાં પોતાનો પ્રાણ પણ અર્પવાને તૈયાર હતું.

સ્વામી વિવેકાનંદજીનું જીવન ”જુના અને નવા વિચારોના સંમેલનરૂપ હતું. જુનું અને નવું, એ બે સરિતાઓનો આશ્ચર્ય જનક સંગમ તેમના જીવનમાં બની રહ્યા હતા. કેવળ પ્રવૃત્તિ કે કેવળ નિવૃત્તિને તે ચ્હાતા નહોતા, પણ “શિવ અને સેવા” એ બંને એમનો મહાન સિદ્ધાંત હતો. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, આ બંનેનો સંયોગ યોજી બંને જાણે કે પોતાના જીવનરૂપી રથનાં ચક્રો હોય અને પોતે રથના સારથિ હોય, તેમ પ્રવૃત્તિ અને નિવૃત્તિની બરાબર મધ્યમાં વેદવાક્ય – आत्मनोमोक्षार्थ जगद्विताय च - ને અનુસરીને તેમણે પોતાનું સમગ્ર જીવન ગાળ્યું હતું.