પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૨


મહત્તા અને તેમાં રહેલી ગુહ્ય શક્તિઓ કેવી અને કેટલી છે; તેનું તે ભાન કરાવે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ જેવા ગુરૂઓની આવશ્યકતા, પ્રાચીન ભાવનાઓનું ગૌરવ અને માબાપની શુદ્ધ ભાવનાઓથી નીપજતાં ઉત્તમ પરિણામોનો તે સર્વોત્કૃષ્ટ ચિતાર આપે છે. હિંદના અગ્રગણ્ય પુરૂષો કેવા જ્ઞાનચરિત્રસંપન્ન જોઈએ અને તેમણે સર્વ ભાવથી સેવાધર્મમાંજ કેવું સમર્પિત થઈ રહેવું જોઈએ; તેનો તે આબેહુબ નમુનો છે. ધર્મ જ હિંદનું જીવન છે; ધર્મજ તેનું લક્ષ્ય છે; ધર્મજ તેનો હેતુ છે; ધર્મજ તેનો નેતા છે; ધર્મજ તેનું સાધન છે અને તેના કલ્યાણનો ઉપાય પણ ધર્મજ છે; એ સુત્રનો તે સંદેશો છે.

“જેણે વિષયલોલુપતાને અને લોભવૃત્તિને જીતી તેણે સર્વ જીત્યું.” એ સિદ્ધાંતની તે સિંહગર્જના છે. બ્રહ્મચર્યના પ્રભાવનો તે શ્રેષ્ઠ નમુનો છે. વિવેકયુક્ત વૈરાગ્યની તે પરાકાષ્ઠા છે. માનવસ્નેહ અને સ્વદેશ પ્રીતિનું તે ઉચ્ચતર સ્વરૂપ છે. સ્વાશ્રય અને અડગ આત્મશ્રદ્ધાનો તે ઉત્તમ દાખલો છે. નિષ્કામ કર્મની તે મૂર્તિ છે. આધ્યાત્મિક બળની તે સાબિતી છે. નિવૃત્તિ અને સદ્પ્રવૃત્તિના મેળાપનું તે સ્થાન છે. પ્રભુપરાયણતા અને સ્વાર્થત્યાગની તે અવધિ છે. જડવાદ અને ઇંદ્રિયસુખ તરફ ચેતવનારી તે દીવાદાંડી છે. અધ્યામવાદનો તે જયઘોષ છે. અહંતા અને મમતાનું તે વિરોધિ છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારનું તે મધ્યબિંદુ છે. જળમાં, સ્થળમાં, કાષ્ઠમાં કે પાષાણમાં, જીવસૃષ્ટિ કે નિર્જીવસૃષ્ટિમાં; સર્વત્ર બ્રહ્મ સ્વરૂપને અનુભવનારની તે લીલા છે. પૂર્વ અને પશ્ચિમનું તે સંમેલન છે. પ્રાચીન અને અર્વાચીન વિચારોનો તે હસ્તમેળાપ છે. પ્રાચ્ય અને પાશ્ચાત્ય વિદ્યાનો તે અપૂર્વ સંગમ છે. પવિત્રતાનું તે શિખર છે. ઉચ્ચ ભાવનાઓનું તે કેન્દ્રસ્થાન છે. શ્રેષ્ઠ સંન્યાસનો તે નમુનો છે. ભારતીય ધર્મ વિચારોનું તે ગૌરવ છે. પ્રવૃત્તિમય પાશ્ચાત્ય પ્રજાઓમાં