પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મિસ વૉલ્ડોએ તેમને ઘણી સગવડો કરી આપી હતી. સ્વામીજી હિંદુ હોવાથી ખાવા પીવામાં કેટલીક છોછ રાખતા. તે બાબતમાં મિસ વૉલ્ડો તેમની ઘણી સંભાળ લેતાં. કેટલીકવાર સ્વામીજીનાં વાસણો તે પોતાને હાથે માંજી નાંખતાં. હમેશાં તે પોતાને ઘેરથી સ્વામીજી પાસે આવતાં અને તેમના ઘરકામમાં અનેક રીતે મદદ કરતાં. માંદગીમાં પણ તે જાતેજ તેમની સારવાર કરતાં. તે બાઈ ઘણા ઉચ્ચ ગુણો ધરાવતાં હતાં અને સ્વામીજી તરફ અત્યંત ભક્તિભાવથી જોતાં. સ્વામીજીએ તેમને દિક્ષા આપ્યા પછી તે સ્વામીજીના આધ્યાત્મિક અનુભવો સમજવાને, શ્રીરામકૃષ્ણનું જીવન જાણવાને અને વેદાન્ત ઉપર વાદવિવાદ કરવાને તેમની પાસે કલાકોના કલાકો ગાળતાં. સ્વામીજીનાં “રાજયોગ” ઉપરનાં સઘળાં કથનો તેમણેજ ઉતારી લીધાં હતાં. સ્વામીજીએ અમેરિકા છોડ્યું ત્યાર પછી તે ત્યાં વેદાન્ત ઉપર અનેક ભાષણો આપી રહેલાં છે. રામકૃષ્ણ તે મિશનનાં અનેક કાર્યોમાં સહાય અર્પી રહેલાં છે. તે પોતાનું જીવન એકાન્તવાસમાં ધ્યાન અને ભક્તિમાં ગાળી રહેલાં છે.

સ્વામીજીના સઘળા શિષ્યોમાં શ્રેષ્ઠ અધિકારવાળી શિષ્યા તો મિસ મારગરેટ નોબલ હતી. મિસ મારગરેટનું કંઈક વૃત્તાંત આગળ અપાયું છેજ. સઘળા શિષ્યોમાં એ બાઈ વધારે હિંદુ આચાર વિચારવાળી બની રહી હતી. તેણે “નિવેદિતા” નામ ધારણ કર્યું હતું. “નિવેદિતા” એ શબ્દનો અર્થ “પ્રભુને અર્પણ થઈ ચૂકેલી” એવો થાય છે અને ખરેખર, નિવેદિતાએ પોતાનાં તન, મન અને ધન સ્વામી વિવેકાનંદના કાર્યને અર્પણ કરી દીધાં હતાં.

ભારતવર્ષને તેણે પોતાની માતૃભૂમિ માની લીધી હતી અને હિંદીઓને તે પોતાના સ્વદેશબંધુઓ ગણતી હતી. વેદાન્તનું રહસ્ય તેણે પોતાની રગે રગમાં ઉતાર્યું હતું અને તે રહસ્યનો સ્વાદ ઘણી અજાયબ ભરેલી