પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


લાગ્યાં હતાં. પોતાનો અનુભવ તેમણે ઘણીજ હિંમતથી જગતને જણાવ્યો છે. વેદાન્ત વિષેના તેમના વિચારો ઘણાજ સ્વતંત્ર છે. મેક્સમુલર અને ડ્યુસન પ્રાચીન પ્રમાણોની દરકાર કર્યા વગર સ્વતંત્રપણેજ સત્યને દર્શાવી રહેલા છે.”

કીલમાં ડ્યુસનને ઘેર સ્વામીજી એક વખત એક પુસ્તક વાંચી રહ્યા હતા. પ્રોફેસરે તેમને તે પ્રમાણે કરતા જોયા. સ્વામીજીની જોડે કંઇ વાત કરવાની તેમની ઈચ્છા થવાથી તેમણે સ્વામીજીને બોલાવ્યા, પણ કંઈ ઉત્તર મળ્યો નહિ. વાંચવામાં સ્વામીજી તલ્લીન થઈ ગયા હતા. પછીથી જ્યારે એમણે જાણ્યું કે એમનાથી ઉત્તર અપાયો નહોતો ત્યારે સ્વામીજી માફી માગવા લાગ્યા અને કહ્યું કે, વાંચનના રસમાં હું ઘણોજ મગ્ન થઈ ગયો હતો. પ્રોફેસર આશ્ચર્ય પામ્યા. સ્વામીજીના એ કથનથી તેમને સંતોષ વળ્યો નહિ. પછીથી સ્વામીજી એ પુસ્તકના સઘળા શ્લોકો એક પછી એક મ્હોંડે બોલવા લાગ્યા અને કેટલાકને સમજાવવા લાગ્યા. ડ્યુસન ઘણાજ ચકિત બની ગયા. ખેત્રીના મહારાજાની પેઠે તે પણ પૂછવા લાગ્યા કે, “આવી યાદશક્તિ તમે શી રીતે પ્રાપ્ત કરેલી છે ?” એ ઉપરથી ચિત્તની એકાગ્રતા અને યોગીઓની માનસિક શક્તિઓ ઉપર વાર્તાલાપ ચાલી રહ્યો. સ્વામીજી પોતાનો અનુભવ કહેવા લાગ્યા. તેમનું કહેવું સાંભળીને પ્રોફેસરને ખાત્રી થઈ કે એ વાત ખરીજ હોવી જોઈએ.

કીલમાં સ્વામીજી કેટલાક દિવસ રહ્યા અને ત્યાંની કારિગીરી અને કલાઓનો અભ્યાસ કરવા લાગ્યા. કેટલાંક પ્રખ્યાત સ્થળો તેમણે જોયાં. સ્વામીજી સદાએ એક વિદ્યાર્થીની માફક અવલોકન કરતા. પાશ્ચાત્ય સુધારામાં તેમને કંઇ કંઇ નવું અને અગત્યનું લાગતું. પાશ્ચાત્ય સંસ્કૃતિનાં શ્રેષ્ઠ ફળો ભારતવાસીઓને ચખાડવાં, તેમાં રહેલાં અગત્યનાં તત્ત્વો પૌર્વાત્ય સંસ્કૃતિને અનુકુળ કરવાં અને બંને સુધારાઓનું