પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મનુષ્યોનું લક્ષ્ય મંડપની શોભા કે ત્યાં થતા તમાશાઓ તરફ નહોતું. દરેક જણ સ્વામીજીનાં દર્શન કરવાનોજ યત્ન કરી રહ્યાં હતાં. સ્વામીજી અને તેમના શિષ્યોએ પોતાની બેઠકો લીધી. તેમના ઉપર પુષ્પોની વૃષ્ટિ થઈ રહી. થોડીવાર પછી એક ગવૈયાએ પોતાની સારંગી હાથમાં લીધી અને સુંદર ગાયન ગાવા લાગ્યો. પછીથી સ્વામીજીના માનમાં રચેલો એક શ્લોક બોલવામાં આવ્યો. પછીથી ઓનરેબલ પી. કુમારસ્વામી આગળ આવ્યા અને હિંદુઓના રિવાજ પ્રમાણે સ્વામીજીને નમન કરી સ્વામીજીને આપવાનું માનપત્ર વાંચવા લાગ્યા. તે માનપત્ર નીચે પ્રમાણે હતું:—

“શ્રીમત્‌ વિવેકાનંદ સ્વામી.”

“કોલંબોના સઘળા હિંદુઓએ એકઠા મળીને ઠરાવ કર્યા પ્રમાણે અમે આપને આ બેટમાં અંતઃકરણપૂર્વક આવકાર આપીએ છીએ. પશ્ચિમમાં તમારૂં કાર્ય કરીને માતૃભૂમિમાં પાછા આવતાં તમને પ્રથમ અમે માન આપીએ છીએ અને તેથી અમારી જાતને ધન્ય ગણીએ છીએ.”

“પ્રભુના આશિર્વાદથી પશ્ચિમમાં તમારું કાર્ય જે ફતેહ મેળવી રહ્યું હતું તેને અમે ખુશાલી અને આભારની લાગણી સાથે જોયા કરતા હતા. અમેરિકા અને યૂરોપની પ્રજાઓને તમે હિંદુઓની સર્વસંગ્રાહ્ય ધર્મની કલ્પના સમજાવી છે, સર્વધર્મો વચ્ચે પરસ્પર સંબંધ વધાર્યો છે, દરેક આત્માની જરૂરીઆત પ્રમાણે તેને ધર્મનો બોધ આપ્યો છે અને તેને પ્રેમથી પ્રભુ તરફ દોર્યો છે. ભારતવર્ષમાં પ્રાચીન સમયથી અનેક ગુરૂઓ ઉત્પન્ન થતા આવેલા છે. તેમનાં પવિત્ર ચરણકમળથી ભારતભૂમિ પવિત્ર બની રહેલી છે. તેમની હાજરી અને પ્રેરણાથી ભારતવર્ષ અનેક ઉથલપાથલોમાં પણ જગતનું ગુરૂપદ મેળવી રહેલું છે. તેવા ગુરૂઓમાંના એક શ્રીરામકૃષ્ણ પરમહંસ દેવની પ્રેરણાથી