પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર


છે એજ વિચાર ! હિંદના સાચા સાધુઓ આવુંજ જીવન ઈચ્છે છે અને ગાળે છે. તેમને બીજા કશાની દરકાર હોતી નથી. તેમના મનમાં ઇશ્વર સિવાય બીજો વિચાર આપનારી વસ્તુસ્થિતિઓપર વિરાગજ વસી રહેલો હોય છે. ભરણપોષણની તમામ કાળજી તેમણે વિશ્વંભરનેજ સોંપી દીધી હોય છે ! ઉપર જણાવ્યા જેવાં સ્થળોમાં આવા આવા અનેક સંતસાધુઓ ખરાખોજીને મળી આવે છે.

અનેક ઉચ્ચકોટીના સંત મહાત્માઓ કેટલોક કાળ જુદાં જુદાં સ્થળામાં વિચરતા રહી મુક્તાત્માઓનાં દર્શન તથા સત્સંગમાં પણ ગાળે છે. દુર્ગાચરણ આવા આવા અનેક સાધુઓના સમાગમમાં આવ્યા હતા. તે તેમને પોતાને ઘેર બોલાવી લાવતા અને જમાડતા અને તેમની પાસેથી પ્રણામ, પ્રશ્ન અને સેવાપૂર્વક અનેક વાતો શ્રવણ કરતા. આથી તેમની સંન્યાસવૃત્તિ દૃઢ થતી ગઈ અને આખરે તે ઉપર જણાવ્યું તેમ સંસારને ત્યજી અરણ્યવાસ સેવવા લાગ્યા. પાંચ છ વર્ષ વીતી ગયાં અને દુર્ગાચરણ હિંદુઓના પવિત્ર ધામ કાશીમાં આવી પહોંચ્યા. શુદ્ધ આર્યજીવનમાં પતિ અને પત્નીનો આત્મા એકજ થઈ રહ્યો હોય છે. આથી સ્વાભાવિક રીતે એમ બને છે કે જ્યાં પતિનો આત્મા પ્રયાણ કરે છે ત્યાંજ અજાણ્યે પણ પત્નીનો આત્મા જવા તત્પર થાય છે. દુર્ગાચરણની ભાર્યાએ કાશીની યાત્રા કરવાનું ધાર્યું અને ત્યાં અણધાર્યાંજ પતિનાં દર્શન તેને થયાં.

કાશી ! એ નામ હિંદુઓને કેટલું મોહક છે ! તે નામ ઉચ્ચારતાંજ હિંદુમાત્રના હૃદયમાં કેવો ધર્મભાવ અને ગૌરવ ખડાં થાય છે ! હિંદુઓની પ્રાચીન મહત્તાનું ભાન તેના દર્શનમાં થઈ જાય છે. હિંદના મહાન વિચારકો, વીરપુરૂષો, મહાત્માઓ અને સાધુઓનું તે કેવું સ્મરણ કરાવે છે ! હિંદુ રાજાઓની પ્રભુતા, સંન્યાસીઓની મહત્તા અને પંડિતોની વિદ્વત્તા તે દર્શાવે છે. અત્યારે પણ હજારો હિંદુઓ, ભણેલા