પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કરીને દીન દુઃખી મનુષ્યોમાં પ્રભુને નિહાળવો.

સ્વામીજીનું બીજું ભાષણ “વેદાન્ત” ઉપર થયું હતું. અદ્વૈતવાદના કઠિનમાં કઠિન સિદ્ધાંતો તેમણે ઘણીજ ખુબીથી અને સરળ શબ્દોમાં સમજાવ્યા હતા.

એ ભાષણમાં આત્માના સ્વરૂપ ઉપર બોલતાં તેમણે કહ્યું કે, “શરીર કે મન આત્મા નથી; કારણ કે તે બંને અનિત્ય છે અને વિકારી છે. આત્મા તેમનાથી પર અવિકારી અને અવિનાશી વસ્તુ છે. સઘળાં મષ્યોષ્યમાં એકજ આત્મા વસી રહેલો છે અને તેથી કરીનેજ એક બીજાને ચ્હાવાનું, એક બીજાને માટે કામ કરવાનું અને એક બીજા તરફ સહાનુભૂતિ દર્શાવવાનું વલણ રહ્યા કરે છે. આ અનંત પરમાત્મા અંતવાન ઇંદ્રિયો વડે જોઈ શકતો નથી. એને જોવા માટે તો મનુષ્યે વિષય તરફ વહી રહેલી ઇંદ્રિયોને પાછી વાળીને અંતર્મુખ વૃત્તિ કરવી પડે છે અને એનું નામજ વૈરાગ્ય છે. અદ્વૈતવાદ આપણને શિખવે છે કે જગતમાં એકજ આત્મા સર્વમાં વ્યાપી રહેલો છે. એનો એજ આત્મા રાજા તરિકે મહેલમાં વસી રહેલો છે અને એનો એજ આત્મા–તમેજ–મહોલ્લામાં ભિખારી તરિકે ભિખ માગી રહેલો છે. તમારોજ આત્મા–તમેજ–પંડિતમાં વસેલો છે અને તેનો તેજ આત્મા અજ્ઞાનીમાં પણ રહેલો છે. આ મહા સત્યને જાણો અને સર્વે તરફ પ્રેમભાવ દર્શાવો. અદ્વૈત શિખવે છે કે સર્વે મનુષ્યમાં “હું”જ રહેલો છું એવું નિહાળનાર અથવા તો સર્વેમાં પ્રભુનેજ જોનાર મુનિ પોતે બીજાને–પોતાના આત્માને–કદી પણ હણતો નથી. આપણે બીજાને દુઃખ ન દેવું તેનું કારણ આજ છે. બીજાઓ સુખી છે કે દુઃખી તે જોવાનું કારણ પણ આજ છે; કારણ કે એમાં આપણે આપણી જ ભાળ લેવાની છે. અદ્વૈતવાદ એકજ આપણને નીતિનું આવું સર્વ શ્રેષ્ઠ અને સાચું રહસ્ય સમજાવે છે. બીજાઓ ભલે નીતિનો બોધ કરે,