પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જોઈને ઘણાજ આશ્ચર્યથી બોલી ઉઠ્યાં કે; “આ શું કરી રહ્યા છો ?” સ્વામીજી જવાબમાં એટલુંજ બોલ્યા કે “શું ક્રાઇસ્ટ તેમના શિષ્યોના પગ ધોતા નહોતા ?” એ સાંભળીને બહેન નિવેદિતા ઘણાજ ભક્તિભાવથી સ્વામીજી તરફ જોતાં જોતાં મનમાં બોલી ઉઠ્યાં કે “આ પણ સાક્ષાત ક્રાઈસ્ટનોજ અવતાર છે !”

અલવરમાં સ્વામીજી રહ્યા ત્યાં સુધી તે લોકોને ઘેર ભિક્ષા લેવાને જતા. અમેરિકા જતા પહેલાં જ્યારે સ્વામીજી અલવરમાં આવ્યા હતા ત્યારે એક વૃદ્ધ સ્ત્રીએ ઘણા ભાવથી જાડા જાડા રોટલા ખવરાવીને તેમનું સન્માન કર્યું હતું. સ્વામીજીના આવ્યાની વાત જાણીને તે સ્ત્રી મનમાં ઘણી જ ખુશી થતી હતી. સ્વામીજીને અનેક સદ્‌ગૃહસ્થો તરફથી ભિક્ષાનાં આમંત્રણ આવતાં હતાં, પણ તેમણે તે વૃદ્ધ સ્ત્રીને કહાવી માકલ્યું કે; ઘણાં વર્ષ ઉપર તમારે ઘેર હું જાડા જાડા, રોટલા ખાઈ ગયો હતો તેવાને તેવા જાડા રોટલા ખાવાને આજે હું તમારે ઘેર આવીશ ! એ સાંભળીને વૃદ્ધ સ્ત્રીનું હૃદય હર્ષથી ઉભરાઇ ગયું. તેની આંખોમાં પ્રેમનાં અશ્રુ આવી ગયાં અને પોતાની જાતને તે ધન્ય માનવા લાગી. સ્વામીજી ભિક્ષા લેવાને માટે બેઠા એટલે તે બાઈ બોલી; “મારા દિકરા શું કરું ? હું ગરીબ છું, નહિ તો સારૂં સારૂં કરીને હું તમને ન ખવરાવું ?” સ્વામીજી જાડા રોટલાઓને ઘણા સ્વાદ અને હર્ષથી ખાવા લાગ્યા અને પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે; “જુઓ આ માઈ કેવી ભાવિક છે ! તેનામાં કેવો પ્રેમ વસી રહેલો છે ! આપણી મા જેવોજ તે ભાવ બતાવી રહેલી છે. તેના હાથના આ જાડા રોટલા કેવા સત્વગુણની વૃદ્ધિ કરનારા છે !”

સ્વામીજી અલવરથી ખેત્રી, કીશનગઢ, અજમેર, જોધપુર, ઇંદોર અને ખંડવા થઈને કલકત્તા તરફ ગયા. તબીયત સારી નહિ રહેતી હોવાથી મુંબઈ ઇલાકા તરફ જવાનો વિચાર માંડી વાળ્યો.