પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૧
દુષ્કાળકામો તથા અનાથાશ્રમો વગેરેની સ્થાપના.


રાખવામાં આવ્યા હતા. સ્વામીજી સઘળી સ્થિતિ સમજી લઈને તરતજ લોકોને દવા, સલાહ અને આશ્વાસન આપવાને તૈયાર થઈ રહ્યા. કલકત્તે આવ્યા તેજ દિવસે તેમણે પ્લેગને અટકાવવાના અને લોકોને મદદ કરવાના કાર્યની યોજના ઘડી કહાડી અને તે બંગાળી તથા હિંદીમાં છપાવીને પ્રગટ કરી દીધી.

સ્વામીજીના એક ગુરૂભાઈ તેમને પૂછવા લાગ્યા: “સ્વામીજી, તમે પૈસા ક્યાંથી લાવશો ?” સ્વામીજી એકદમ દૃઢતાથી બોલી ઉઠ્યા: “કેમ ! મઠનું નવું મકાન બાંધવાને ખરીદેલી જમીન વેચી નાંખીશું. આપણે સંન્યાસીઓ છીએ. આપણે ઝાડ નીચે સૂઈ રહીશું અને ભિક્ષા માગીને ઉદરપોષણ કરીશું. આપણી નજર આગળ દુઃખ પામતાં હજારો મનુષ્યોનું દુઃખ જો આપણે ટાળી શકતા હોઈએ તો આપણે મઠ અને બીજી વસ્તુઓની દરકાર શા માટે કરવી ?” આ પ્રમાણે લોકોનું દુઃખ ટાળવાને માટે મઠને પણ વેચી નાંખવાને સ્વામીજી તૈયાર હતા; પણ સુભાગે તેમ કરવાની તેમને જરૂર પડી ન હોતી. કેટલાક ભાગ્યશાળી ધનિકો આવા કામમાં દ્રવ્યની મદદ કરવાને તૈયાર થયા. તરતજ એક મોટી વિશાળ જગ્યા ભાડે લઇને તેના ઉપર દરદીઓ માટે માંડવા ઉભા કરવાનું નક્કી થયું.

સ્વામીજીના શિષ્યો સાથે કામ કરવાને ઘણુ મનુષ્યો રાજી ખુશીથી ભળવા લાગ્યા. શહેરની નાની ગલીઓ અને ઘરોને કેવી રીતે સાફ કરાવવાં તે સ્વામીજી સર્વેને સમજાવવા લાગ્યા. માંદાની સારવાર કરનારી અને દવા વહેચનારી ટાળીઓ સ્વામીજી ગોઠવવા લાગ્યા અને રસી મૂકનારાઓને પણ ઘટતી સુચનાઓ આપવા લાગ્યા. આ વખતે કલકત્તામાં પ્લેગનું જોર વધવા લાગ્યું હતું. રામકૃષ્ણ મિશનના સાધુઓ સખત મહેનત કરીને લોકોના પ્રાણ બચાવી રહ્યા હતા. ખરેખર એ કાર્ય મોતના મુખમાં જવા જેવું જ હતું.