પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ન્યૂયોર્કમાં વેદાન્તનું કાર્ય જલદીથી આગળ વધતું હતું. સ્વામી અભેદાનંદના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી હતી. એ વખતે લગભગ બસેં વિદ્યાર્થીઓ વેદાન્ત શીખી રહ્યા હતા. વર્ગોની જાહેર ખબર નહિ આપવા છતાં પણ લોકો એક બીજાદ્વારા માહિતી મળતાંજ આકર્ષાઇ આવતા હતા. આ પ્રમાણે અમેરિકાનાં બુદ્ધિશાળી અને વિચારવંત સ્ત્રી પુરૂષોનાં અંતઃકરણમાં વેદાન્તનો બોધ ધીમે ધીમે વાસ કરતો હતો. અમેરિકામાં વેદાન્તની આવી ફતેહનું કારણ એ હતું કે વેદાન્ત સર્વસંગ્રાહ્ય તત્ત્વોથી ભરપુર છે, ઉચ્ચમાં ઉચ્ચ નીતિને તે પ્રતિપાદન કરે છે, અત્યંત પવિત્ર ચારિત્ર્યને ધારણ કરવાનું તે મનુષ્યને બોધે છે અને સંપૂર્ણ સ્વાર્થત્યાગની તે હિમાયત કરે છે. કોઈ પણ ધર્મ કે પંથને તે ધિક્કારતું નથી, પણ ઉલટું ક્રાઈસ્ટના અને બીજા ધર્મોના સિદ્ધાંતોને તે વધારે સ્પષ્ટ કરી આપે છે. વેદાન્તરૂપી પ્રકાશ મળ્યા પછી ઘણા અમેરિકનો પોતાના ખ્રિસ્તી ધર્મને ખરા રૂપમાં સમજવા લાગ્યા હતા. અમેરિકાના લોકોએ વેદાન્તને અંતઃકરણપૂર્વક વધાવી લેવાનું કારણ એ હતું કે જીવનના મહાન પ્રશ્નનો સાચો ઉત્તર તેમને તેમાંથી જ મળી શકતો. વિદ્વાન અને ઉદાર ચિત્તવાળા ખ્રિસ્તી પાદરીઓને ક્રાઈસ્ટના સિદ્ધાંતોની ખરેખરી સમજુતી પણ એજ સિદ્ધાંતોમાં રહેલી જણાતી.

સ્વામી વિવેકાનંદની અમેરિકન શિષ્યા સ્વામિની અભયાનંદ પણ ન્યૂયોર્કમાં ઘણું કામ કરી રહ્યાં હતાં. આ વિદુષી અને ઉત્સાહી બાઇએ સ્વામી વિવેકાનંદના સમાગમમાં આવ્યા પછી સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને પોતાના ગુરૂને પગલે ચાલીને તે યુનાઈટેડ સ્ટેટસમાં વેદાન્તનો બોધ કરી રહ્યાં હતાં. ન્યૂયોર્કમાં તેમણે અદ્વૈતસમાજ સ્થાપેલી છે. તેમનાં ભાષણો અને વાર્તાલાપોથી ઘણા અમેરિકનો વેદાન્તનો અભ્યાસ કરવા લાગ્યા હતા. તેમના પ્રયાસથી