પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૫
પાશ્ચાત્ય પ્રદેશમાં વેદાન્તની અસર.


અમેરિકાથી સ્વામી વિવેકાનંદ વિદાય થયા ત્યારપછી ત્યાંનું કામ સ્વામી શારદાનંદને સોંપવામાં આવ્યું હતું અને તે કામ ઘણુંજ વધી પડ્યું હતું. અનેક વેદાન્ત સમાજો ત્યાં સ્થપાઈ રહી હતી. તે સર્વેમાં કામ કરવું તે એક સંન્યાસીથી બની શકે તેમ ન હતું. ન્યૂયોર્ક, ડેટ્રોઈટ, બ્રુકલીન વગેરે સ્થળોમાં વેદાન્ત સમાજો સ્થપાઈ ચૂકી હતી. તેમાં કામ કરવા ઉપરાંત સ્વામી શારદાનંદને બીજી સભાઓમાં પણ હાજરી આપવી પડતી અને ગ્રીનેકરમાં આવેલી તુલનાત્મકધર્મવિચાર પરિષદમાં શિક્ષક તરિકે પણ કામ કરવું પડતું. એ પ્રમાણે કામ વધી પડેલું હોવાથી સ્વામી અભેદાનંદને અમેરિકામાં બોલાવવામાં આવ્યા. પશ્ચિમની સઘળી સમાજોમાં ન્યૂયોર્કની વેદાન્ત સમાજ ઘણી જ મોટી હોવાથી સ્વામી અભેદાનંદે ન્યૂયોર્કમાંજ પોતાનું મુખ્ય મથક રાખ્યું. વળી મોન્ટક્લેરના લોકોએ વેદાન્તનો બોધ સાંભળવાની ઇચ્છા જણાવવાથી અઠવાડીયામાં એકવાર ત્યાં પણ તેઓ જતા હતા. ન્યૂયોર્ક અને બીજા મથકોમાં હિંદના પ્રાચીન સાહિત્યનો શોખ વધતો ચાલ્યો અને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોની પુષ્કળ માગણી થવા લાગી. જ્યાં જ્યાં સ્વામીઓ જતા ત્યાં ત્યાં લોકો તેમનો બોધ ઘણાજ ભાવથી સાંભળતા. થોડાજ સમયમાં માલમ પડ્યું કે ઘણે દૂર આવેલા કેલીફોર્નીઆમાં પણ ઘણા મનુષ્યો વિવેકાનંદનાં પુસ્તકો વાંચી રહેલા છે અને તેઓ વેદાન્તનો બોધ ગ્રહણ કરવાને તૈયારી કરી રહેલા છે. બ્રુકલીન અને સેનફ્રાન્સીસ્કો જેવાં સ્થળોને પણ નિરાશ થવું પડતું હતું; કારણકે તે સ્થળોમાં જવાનો સ્વામીઓને બીલકુલ અવકાશ મળતો નહિ. આ પ્રમાણે અમેરિકામાં હજી બીજા ઘણા સંન્યાસીઓની જરૂર હતી, પણ હિંદમાં તેવા સંન્યાસીઓ હજી તૈયાર ન હોતા. હિંદમાં સ્વામી વિવેકાનંદ તેવા સંન્યાસીઓને હજી તૈયાર કરતા હતા.